વડોદરા:વડોદરાના આંતરરાષ્ટ્રીય ધોરણોના સેન્ટ્રલ બસ ટર્મિનલમાં 10 એપ્રિલ, 2026ના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પાસે સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈને હવે ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે.
શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના ઉપરના ભાગનું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતાં બસ સ્ટેશન પર હાજર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્લેબનો મોટો ભાગ નીચે પટકાતાં ત્યાં ઉભેલા લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય ઇમરજન્સી સેવાઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુર્ભાગ્યવશ આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
PPP મોડલ હેઠળ બનાવાયેલ ટર્મિનલ
વડોદરાનું સેન્ટ્રલ બસ ટર્મિનલ ગુજરાતના આધુનિક પ્રોજેક્ટ્સમાંનું એક ગણાય છે. અંદાજે ₹110 કરોડના ખર્ચે અને લગભગ 20,300 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ ટર્મિનલ PPP (Public-Private Partnership) મોડલ હેઠળ બનાવવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી કરવાની જવાબદારી Sphere Cube Infrastructure Pvt. Ltd. નામની કંપનીને આગામી 31 વર્ષ માટે સોંપવામાં આવી છે. સિંગાપુર, શાંઘાઈ અને હોંગકોંગ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોના બસ સ્ટેશનોના અભ્યાસ બાદ આ ટર્મિનલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
મેન્ટેનન્સ અને સુરક્ષા પર ઉઠ્યા સવાલ
કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતા આ બસ ટર્મિનલમાં આવી ઘટના બનતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટર્મિનલની મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.
ઘટનાને લઈને હવે જવાબદારી કોની તે અંગે સવાલો ઊભા થયા છે અને બેદરકારી અંગે યોગ્ય તપાસ કરવાની માગ પણ ઉઠી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ આ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.