Advertisement

વડોદરા: દેવ નદીમાં મગરનો કહેર, યુવકને ખેંચી ગયા બાદ આખી રાત મૃતદેહ મોઢામાં દબોચી પાણીમાં ફરતો રહ્યો

વડોદરા: દેવ નદીમાં મગરનો કહેર, યુવકને ખેંચી ગયા બાદ આખી રાત મૃતદેહ મોઢામાં દબોચી પાણીમાં ફરતો રહ્યો

વડોદરા: વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે મગરના હુમલાની એક અત્યંત કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. દેવ નદીમાં પાણી લેવા ગયેલા મિથુન વસાવા નામના યુવક પર વિશાળકાય મગરે હુમલો કરી તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ ભયાનક દ્રશ્યો જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમો દોડી આવી હતી, પરંતુ મગર યુવકનો મૃતદેહ મોઢામાં દબોચીને સતત નદીમાં આંટાફેરા મારી રહ્યો હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે અવરોધ પેદા થયો હતો. મોડી રાત સુધી મગર મૃતદેહ સાથે પાણીમાં ગરકાવ થતો રહ્યો, જેના કારણે અંધારામાં કામગીરી રોકવાની ફરજ પડી હતી.


આજે (8મી મે) સવારે જ્યારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે મગરે યુવકનો મૃતદેહ છોડી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. મિથુનનો દેહ પાણીની સપાટી પર તરતો દેખાતા જ ગ્રામજનોએ ભારે હિંમત બતાવી હતી. જ્યારે લોકો મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે નદીમાં રહેલા અન્ય મગરો પણ મૃતદેહની આસપાસ એકઠા થવા લાગ્યા હતા. જોકે, હાજર લોકોએ મોટા અવાજે હાકોટા પાડી અને પથ્થરમારો કરી મગરોને ભગાડ્યા હતા અને સુરક્ષિત રીતે મૃતદેહને કિનારે લાવ્યા હતા.


આ કરુણ ઘટનાને પગલે વસાવા પરિવાર અને સમગ્ર કાગડીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાની વિશ્વામિત્રી અને દેવ નદીમાં મગરોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, જેને કારણે નદી કિનારે રહેતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વારંવાર થતા જીવલેણ હુમલાઓને લઈને સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે માનવભક્ષી મગરોને પાંજરે પૂરવા માટે તંત્ર વહેલી તકે કડક કાર્યવાહી કરે.

Advertisement