Advertisement

વૃદ્ધો માટે ખતરનાક ટ્રેન્ડ: સાયબર ઠગાઈમાં ભારે વધારો

વૃદ્ધો માટે ખતરનાક ટ્રેન્ડ: સાયબર ઠગાઈમાં ભારે વધારો

ગુજરાતમાં સાયબર ઠગાઈના વધતા બનાવોએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. ગત વર્ષે રાજ્યમાં અંદાજે દોઢ લાખ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા, જેમાંથી લગભગ 45 ટકા સિનિયર સિટીઝન હતા. 2020 બાદ દેશભરમાં વૃદ્ધોને ટાર્ગેટ કરતી ઠગાઈમાં 86 ટકાનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફેસબુક, વોટ્સએપ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર શેર થતી અંગત માહિતીનો દુરુપયોગ કરીને ઠગ ટોળકીઓ સરળતાથી સિનિયર સિટીઝનો સુધી પહોંચે છે.


પોલીસ સૂત્રો મુજબ, અજાણ્યા કોલ અને મેસેજથી શરૂઆત કરીને ઠગો લોકોમાં ડર, લાલચ અને વિશ્વાસ ઉભો કરી તેમને જાળમાં ફસાવે છે. “ડિજિટલ એરેસ્ટ” જેવા નવા ટ્રેન્ડથી ઠગાઈના બનાવો વધી રહ્યા છે. 2025માં ગુજરાતમાં બે સિનિયર મહિલાઓ પાસેથી 30 કરોડની ઠગાઈનો કિસ્સો પણ સામે આવ્યો હતો, જેની તપાસ સીબીઆઈને સોંપાઈ છે.


આ પરિસ્થિતિમાં સાયબર સુરક્ષા અને જાગૃતિની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. નિષ્ણાતો સૂચવે છે કે, OTP કે PIN શેર ન કરવો, અજાણી લિંક પર ક્લિક ન કરવું અને સોશિયલ મીડિયા પર અંગત માહિતી મર્યાદિત રાખવી જરૂરી છે. સિનિયર સિટીઝનો માટે સૌથી મોટી સુરક્ષા એ જ છે કે તેઓ સાવચેત રહે અને કોઈ પણ શંકાસ્પદ કોલ કે મેસેજથી દૂર રહે.


Advertisement