વલસાડ, તા. 6 જૂન: વલસાડ જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુક્રવારે રાત્રે ઉમરગામ તાલુકાના દેહરી-ગોવાડા ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાયેલી આ સભામાં રાજ્યપાલશ્રીએ સ્વચ્છતા, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ સમાન છે. બાળકો સમાજની સૌથી મોટી મૂડી હોવાનું જણાવી તેમણે માતા-પિતાને બાળકોને માત્ર શિક્ષિત જ નહીં પરંતુ સંસ્કારી અને ગુણવાન બનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષિત અને સંસ્કારી ભાવી પેઢી જ સમાજને વિકાસના નવા શિખરો સુધી લઈ જઈ શકે છે.
સ્વાસ્થ્ય અને કૃષિ અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતો ઝેરમુક્ત ખોરાક માનવ શરીરને રોગોથી બચાવવામાં મદદરૂપ બને છે. ગુજરાતમાં હાલમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા હોવાનું જણાવી તેમણે અન્ય ખેડૂતોને પણ યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવાની અપીલ કરી હતી. સાથે પશુપાલન દ્વારા વધારાની આવક મેળવવા પણ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીઝલ-પેટ્રોલના ઓછા ઉપયોગના આહવાનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશ પર ક્રૂડ ઓઈલ આયાતનો આર્થિક બોજ વધી રહ્યો છે. તેથી નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી સામુહિક યાત્રા અને ઇંધણનો મિતવ્યયી ઉપયોગ કરવાની જરૂર છે.
રાત્રિસભા પૂર્વે રાજ્યપાલશ્રીએ દેહરી ગામના અનુસૂચિત જાતિના પરિવારના કૌશિકભાઈ સુરેશભાઈ મહ્યાવંશીના નિવાસસ્થાને જઈ તેમના પરિવાર સાથે સાદું ભોજન લીધું હતું. તેમણે પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી અને ગામડાની પરંપરા મુજબ દુધીનું શાક, રોટલી, ખીચડી અને મગની દાળ જેવા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પોલીસ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સરપંચ ધનેશભાઈ, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.