ઉમરેઠ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી ૨૩મી તારીખે યોજાનાર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે મંગળવાર સાંજથી જાહેર પ્રચારના પડઘમ શાંત થઈ જશે, જેના પગલે હવે ઉમેદવારો અને રાજકીય પક્ષો 'ડોર-ટુ-ડોર' અને 'ખાટલા બેઠકો' પર જોર લગાવશે. ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે.
આ પેટાચૂંટણીમાં કુલ ૨,૪૫,૬૨૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જાહેર પ્રચાર બંધ થતાની સાથે જ હવે ગામડાઓ અને નગરોમાં રાત્રિ દરમિયાન ખાટલા બેઠકોનો દોર શરૂ થશે. છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેટલાક વિસ્તારોમાં છેલ્લી ઘડીના 'મનામણા' અને અન્ય પ્રલોભનો દ્વારા મતદાન પોતાની તરફેણમાં કરવાના ખેલ પણ શરૂ થઈ ગયા છે.
ઉમરેઠ બેઠક પર આ વખતે જંગ એટલા માટે પણ કશ્મકશભર્યો છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ક્ષત્રિય સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મુખ્ય બંને ઉમેદવારો એક જ સમાજના હોવાથી હવે અન્ય સમાજના મતદારોનું મતદાન હાર-જીતના ફેંસલામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
આજ સાંજથી પ્રચાર બંધ થતા જ મંગળવાર રાતથી વિવિધ ગામોમાં રાજકીય પક્ષોના મોટા ગજાના નેતાઓ છૂપી બેઠકો માટે ધામા નાખશે. ૨૩મીએ મતદાન અને ત્યારબાદ આવનારા પરિણામો પર સૌની મીટ મંડાયેલી છે. પ્રશાસન દ્વારા પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરી લેવામાં આવી છે.