ઉમરેઠ તાલુકાના હમીદપુરાને મળી મોટી ભેટ, નવા પુરવઠા ગોડાઉનનું ખાતમુહૂર્ત સંપન્ન

ઉમરેઠ તાલુકાના હમીદપુરાને મળી મોટી ભેટ, નવા પુરવઠા ગોડાઉનનું ખાતમુહૂર્ત સંપન્ન

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર નવા ગોડાઉનના કામનું ખાતમુહૂર્ત વિધિપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના સાથે ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર તથા દાદુરામ મહારાજના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.


મળતી માહિતી મુજબ, આશરે ₹2 કરોડ 80 લાખના ખર્ચે પુરવઠા વિભાગનું આધુનિક ગોડાઉન તૈયાર કરવામાં આવશે. આ ગોડાઉન કાર્યરત બન્યા બાદ જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે.


કાર્યક્રમ દરમિયાન ઉમરેઠ વિધાનસભાના નવનિયુક્ત ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેતનભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ પુનિતાબેન પટેલ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ વિમલભાઈ સહિત તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને લોકભાગીદારી સાથે યોજાયો હતો.