🔹 23 એપ્રિલે મતદાન યોજાશે
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે ગુરુવારે મતદાન યોજાશે.
🔹 06 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર
આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે.
🔹 2.45 લાખથી વધુ મતદારો મતદાન કરશે
મોટા પ્રમાણમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
🔹 306 મતદાન મથકો પર મતદાન વ્યવસ્થા
મતદાન માટે કુલ 306 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે.
🔹 સમય: સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન
મતદારો નિર્ધારિત સમયમાં મતદાન કરી શકશે.
🔹 તમામ બૂથ પર લાઈવ વેબકાસ્ટિંગ
પારદર્શિતા માટે દરેક મતદાન મથક પર વેબકાસ્ટિંગની સુવિધા રહેશે.
🔹 વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા
85 વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ રહેશે.
🔹 ફરિયાદ માટે હેલ્પલાઈન ઉપલબ્ધ
ચૂંટણી સંબંધિત રજૂઆત માટે કંટ્રોલ રૂમ નંબર: 02692-298071.
🔹 આરોગ્ય માટે કેસલેસ સારવારની સુવિધા
ચૂંટણી સ્ટાફ માટે ઝાયડસ હોસ્પિટલ, આણંદ અને શ્રી કૃષ્ણા હોસ્પિટલ, કરમસદ ખાતે સારવાર સુવિધા.
🔹 હીટવેવને ધ્યાનમાં રાખી ORS અને ફર્સ્ટ એઈડ વ્યવસ્થા
બધા મતદાન મથકો પર ORS પેકેટ અને ફર્સ્ટ એઈડ કીટ ઉપલબ્ધ રહેશે.
🔹 108 એમ્બ્યુલન્સ સેવા તૈયાર
ઇમરજન્સી માટે તાત્કાલિક સેવા ઉપલબ્ધ રહેશે.
🔹 12 માન્ય ઓળખપત્રોમાંથી કોઈ એકથી મતદાન શક્ય
મતદારો ચૂંટણી કાર્ડ સિવાય અન્ય માન્ય દસ્તાવેજથી પણ મતદાન કરી શકશે.
🔹 સુરક્ષા માટે કડક બંદોબસ્ત
1500થી વધુ સ્ટાફ, પોલીસ, હોમગાર્ડ અને CRPFની 3 કંપની તૈનાત રહેશે.
આણંદ, બુધવાર:::: ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026 ની જાહેરાત કરવામાં આવી તે મુજબ હવે આજે તારીખ 23 એપ્રિલને ગુરુવારના રોજ મતદાન યોજાશે અને મતગણતરી બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે આગામી તારીખ 04 મે ના રોજ કરવામાં આવશે.
111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ 02 તાલુકાના કુલ 46 ગ્રામ પંચાયત અને 03 નગરપાલિકા નો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે 19 જેટલા નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી વિવિધ ફરજો સોંપવામાં આવી છે.
111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જે 213 બિલ્ડીંગ ખાતે કાર્યરત છે. આ ચૂંટણીમાં 1,26,545 પુરુષ અને 1,19,072 મહિલા મતદારો તથા 06 અન્ય મતદારો મળીને કુલ 2,45,623 મતદારોનો સમાવેશ થાય છે.
ઉમરેઠ વિધાનસભામાં નક્કી કરવામાં આવેલ 306 મતદાન મથકો પૈકી 68 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 238 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ મતદાન મથકોમાં કુલ 213 બિલ્ડીંગ ખાતે 306 મતદાન મથકો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 01 મતદાન મથક હોય તેવા બિલ્ડિંગ 137, 02 મતદાન મથક હોય તેવા બિલ્ડીંગ 59 અને 03 મતદાન મથક હોય તેવા બિલ્ડીંગ 17 મળીને કુલ 213 બિલ્ડીંગ ખાતે 306 મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે. આ 306 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. મતદાન મથક ની વાત કરીએ તો 03 મતદાન મથકો ખાતે 300 કરતા ઓછા મતદારો, 302 મતદાન મથકો ખાતે 1100 જેટલા મતદારો અને 01 મતદાન મથક ખાતે 1,200 જેટલા મતદારો નોંધાયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આ ચૂંટણીમાં 02 સખી મતદાન મથકો એટલે કે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, 02 દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથક, 02 યુવા અધિકારી/ કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક અને 05 આદર્શ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
111 - ઉમરેઠ વિધાનસભા માટે 29 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 29 ઝોનલ ઓફિસર અને 29 મદદનીશ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટણીની આચાર સહિતા ભંગ થતો હોય તેની ફરિયાદો 1950 ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇન નંબર 1800 425 2560 ઉપર તથા cvgil એપ્લિકેશન ઉપર પણ ફરિયાદ કરી શકાય છે.
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ખર્ચ સંબંધી મોનિટરિંગ માટે 01 મદદનીશ ખર્ચ નિરીક્ષક, 03 એફ એસ ટી ની ટીમ, 03 એસએસટીની ટીમ, 03 વીએસટીની ટીમ, 01 વી.વી.ટી. ટીમ અને 01 એકાઉન્ટિંગ ટીમ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના લાલપુરા ચેકપોસ્ટ, ભાલેજના પણસોરા ચેક પોસ્ટ અને આણંદ ગ્રામ્યના ચિખોદરા ચોકડી ખાતેથી પસાર થતા વાહનોની અવરજવર ઉપર બારીકાઇ થી નજર રાખી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા 2019 ની ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભામાં 65.27 ટકા, વિધાનસભા 2022 માં 68.44% અને લોકસભા 2024 ની ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભામાં 63.14% મતદાન નોંધાયું હતું.
આ ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાન થી વંચિત ના રહી જાય અને ખાસ કરીને 85 વર્ષ કરતા વધુ વય ધરાવતા સુપર સિનિયર સિટીઝન મતદાર અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે 38 જેટલા ગામો ખાતે જ્યાં 85 વર્ષ કરતા વધુ ઉંમરના મતદારો રહે છે અને દિવ્યાંગ મતદારો રહે છે તેવા મતદારોને મતદાન મથક સુધી જવા અને આવવા માટે 06 જેટલા વાહનોના માધ્યમથી મતદારને મતદાન મથક સુધી લઈ જવામાં આવશે અને પરત તેમના ઘરે લાવવામાં આવશે. આ વાહનો દરેક ગામ ખાતે ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેશે.
આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર 1950 ઉપર અથવા ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર 02692 298071 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ચુંટણીના અનુસંધાને ચુંટણી ફરજ પર રોકાયેલ તમામ મુલકી સ્ટાફ / પોલીસ કર્મચારી - અધિકારીશ્રી / કેન્દ્રીય - અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચુંટણી ફરજ પરના ખાનગી સ્ટાફને કેસલેસ તબીબી સારવાર મળી રહેશે.
મતદાનના દિવસે તમામ 306 મતદાન મથકો ખાતે ઓઆરએસ ના પેકેટ અને ફર્સ્ટ એઈડ કીટ ઉપલબ્ધ રહેશે અને ઇમરજન્સીમાં 108 ની સેવા રહેશે.
ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં 110 લાયસન્સ વાળા હથિયાર જમા લેવામાં આવ્યા છે.
મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે.
આ ચૂંટણીમાં 1500 ઉપરાંત કર્મચારીઓ, 02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે.
આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભાના મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે.