સુરત શહેરના સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે કચરાના યોગ્ય નિકાલ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની નબળી સેવા સામે એક જાગૃત નાગરિકે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિસ્તારમાં ઠેર-ઠેર કચરાના ઢગલા ખડકાયેલા હોવા છતાં પાલિકા અને કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ કામગીરી ન કરાતાં નાગરિકે કચરાના ઢગલા પર જ બેસીને પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રજા નિયમિત ટેક્સ ભરે છે છતાં પાલિકા અને તંત્રના કોન્ટ્રાક્ટરો કચરો ઉલેચવામાં આળસ દાખવી રહ્યા છે. પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં ગંદકીના ઢગલા જોવા મળે છે અને છતાં પણ કચરા નિકાલના બિલ પાસ થઈ જાય છે. રોષે ભરાયેલા નાગરિકે સેન્ટ્રલ ઝોન અને કોન્ટ્રાક્ટરો સામે 'મૂર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. આ સમગ્ર અનોખા વિરોધ પ્રદર્શનનો વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવી રહ્યો છે.
સુરતમાં કચરાના ઢગલા પર બેસી નાગરિકનો વિરોધ, પાલિકા સામે રોષ!