સ્થાનિક ચૂંટણીમાં ‘રેલી’ કરતાં ‘રીલ્સ’નો બોલબાલો, ડિજિટલ પ્રચારમાં ઉમેદવારોનો ભારે ખર્ચ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં હવે પરંપરાગત સભાઓ અને રેલીઓની સાથે સોશિયલ મીડિયા પ્રચારને ખાસ મહત્વ મળતું જઈ રહ્યું છે. ઉમેદવારો Instagram, Facebook અને YouTube જેવા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડિજિટલ પ્રચારને કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં પણ સીઝન જામી છે, જેમાં અનેક યુવાનો રોજગાર મેળવી રહ્યા છે.
ઉમેદવારો હવે ફિલ્મી સ્ટાઈલના આકર્ષક વીડિયો બનાવી મતદારોને પ્રભાવિત કરવા મથામણ કરી રહ્યા છે. કેમેરામેન અને ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને ઉમેદવારની મુલાકાત, જનસંપર્ક અને હારતોરા જેવા દ્રશ્યો શૂટ કરી, ટૂંકા સમયના રીલ્સમાં ગીતો અને ડાયલોગ સાથે એડિટ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવે છે. ખાસ કરીને યુવાનોમાં આ પ્રકારના પ્રચારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યાં તેઓ વીડિયો શેર કરીને પોતાના અભિપ્રાયો પણ વ્યક્ત કરે છે.
આ સાથે ઉમેદવારો દ્વારા વોર્ડવાઈઝ મતદારોના ડેટા ધરાવતા સોફ્ટવેરનો પણ ઉપયોગ વધ્યો છે. આશરે 70 હજાર રૂપિયા કે તેથી વધુ કિંમતના આ સોફ્ટવેર દ્વારા મતદારોના મોબાઇલ નંબર મેળવી, કોલ, SMS અને વ્હોટ્સએપ મેસેજ દ્વારા સીધો સંપર્ક સાધવામાં આવે છે. આ માટે ભાડે રાખેલા કર્મચારીઓ દિવસભર મતદારોને પ્રચાર સંદેશાઓ પહોંચાડે છે, જેનો તમામ ખર્ચ ઉમેદવાર દ્વારા ઉઠાવવામાં આવે છે.
ડિજિટલ પ્રચારમાં ‘રીચ’ વધારવા માટે ઉમેદવારો મોટા ખર્ચ કરવા તૈયાર જોવા મળે છે. દસ દિવસના કેમ્પેઈન માટે ડિજિટલ માર્કેટિંગ ટીમોને 25 હજારથી લઈને 1.50 લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે, જ્યારે કેટલાક ઉમેદવારો સમગ્ર અભિયાન માટે 2 લાખથી 10 લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચે છે. વધુ ટાર્ગેટેડ અને પ્રોફેશનલ પ્રચાર માટે ખાસ ટીમો રાખવામાં આવે છે, જેને દોઢ લાખથી વધુ મહેનતાણું આપવામાં આવે છે.
આ રીતે સ્થાનિક ચૂંટણીમાં ડિજિટલ પ્લેટફોર્મ હવે પ્રચારનું મુખ્ય સાધન બની રહ્યું છે, જ્યાં ‘રીલ્સ’ અને ઓનલાઈન રીચ મતદારો સુધી પહોંચવાનો ઝડપી અને અસરકારક માર્ગ સાબિત થઈ રહ્યા છે.