આણંદ સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઈંધણ બચત અને પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ અને નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલી ઈંધણ બચતની અપીલને પ્રતિસાદ આપતાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે આ નિર્ણય લીધો છે.
યુનિવર્સિટીના કર્મચારીઓને અંગત વાહનોનો ઉપયોગ ઓછો કરીને જાહેર પરિવહન અથવા કાર પુલિંગનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ પગલાં દ્વારા ઈંધણની બચત સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
આ પહેલને વધુ અસરકારક બનાવવા માટે સ્ટાફ કોલોનીમાં રહેતા કર્મચારીઓ માટે ઓફિસ સમય અનુસાર નિઃશુલ્ક બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. સવારે ૯:૪૫ કલાકે અને સાંજે ૫:૪૦ કલાકે બસ સેવા ઉપલબ્ધ રહેશે, જેથી કર્મચારીઓને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે.
કુલપતિ પ્રો. નિરંજન પટેલે તમામ શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફને આ વ્યવસ્થાનો લાભ લેવા અને રાષ્ટ્રહિતમાં સહભાગી થવા અપીલ કરી છે. સાથે જ તેમણે પોતે પોતાના નિવાસસ્થાનથી કેમ્પસ સુધી પગપાળા જવાની શરૂઆત કરીને ઉર્જા બચત અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો સંદેશ આપ્યો છે.