Advertisement

સોમનાથ અમૃતપર્વ-2026માં પહેલીવાર દિલધડક ‘સૂર્યકિરણ એર શો’

સોમનાથ અમૃતપર્વ-2026માં પહેલીવાર દિલધડક ‘સૂર્યકિરણ એર શો’

સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શરૂ થયેલા ‘સોમનાથ અમૃતપર્વ-2026’ અંતર્ગત આ વર્ષે એક ઐતિહાસિક અને રોમાંચક ક્ષણ સર્જાવા જઈ રહી છે. ભારતીય વાયુસેના દ્વારા પ્રથમવાર સોમનાથ ખાતે ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે, જેમાં છ ફાઇટર જેટ આકાશમાં દિલધડક હવાઈ કરતબો રજૂ કરશે. 11 મેના રોજ સવારે 11 વાગ્યે યોજાનારા આ એર શોમાં આકાશમાં એરસ્મોક દ્વારા તિરંગાની પ્રતિકૃતિ રચાશે, જે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે અદભુત આકર્ષણ બનશે.


ભારતીય વાયુસેનાની જાણીતી સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા રજૂ થનારા આ એર શોમાં ‘ટ્રાયકલર સ્મોક ટ્રેઈલ’, ‘ડાયમંડ ફોર્મેશન’, ‘લૂપ્સ એન્ડ રોલ્સ’, ‘ક્લોઝ ફોર્મેશન’ અને ‘કલર સ્મોક’ જેવા અનેક રોમાંચક હવાઈ કરતબો દર્શાવવામાં આવશે. આ સમગ્ર કવાયત માટે એરફોર્સના હૉક MK-132 શ્રેણીના કુલ છ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવશે.


ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જનમીત શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારો આ એર શો સોમનાથ માટે ઐતિહાસિક બનશે. ફાઈનલ શો પહેલા 10 મેના રોજ સવારે 11 વાગ્યાથી રિહર્સલ યોજાશે. આ તમામ જેટ જામનગર એરબેઝ પરથી ઓપરેટ થશે.

ફ્લાઇટ લેફ્ટનન્ટ અને ટીમ કમેન્ટેટર કંવલ સંધુએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના આકાશમાં પહેલીવાર યોજાનારો આ એર શો દેશભક્તિ અને રોમાંચનો અનોખો સમન્વય બનશે. ગ્રુપ કેપ્ટન અજય દશરથીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ આ હવાઈ કવાયતને સફળ બનાવશે.


આ એર શોમાં ભાગ લેનારા ફાઇટર જેટ લગભગ 800 થી 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે. શરૂઆતમાં તમામ છ જેટ એકસાથે હવાઈ કવાયત કરશે, ત્યારબાદ બે અલગ જૂથમાં વહેંચાઈ વિવિધ ફોર્મેશન રજૂ કરશે. પાયલટો વચ્ચે સતત રેડિયો કોમ્યુનિકેશન દ્વારા સંકલન જળવાશે, જ્યારે સ્ક્વોડ્રન લીડર અમન ગોયલ જમીન પરથી સમગ્ર કવાયતનું માર્ગદર્શન આપશે.


પક્ષીઓના જોખમથી બચવા માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. બર્ડ હેઝાર્ડ કંટ્રોલ ટીમ સજ્જ રાખવામાં આવી છે અને સ્થાનિક લોકોને ખુલ્લામાં ખાદ્ય પદાર્થો ન ફેંકવા અપીલ કરવામાં આવી છે, જેથી એર શો દરમિયાન કોઈ અવરોધ ઊભો ન થાય.


સોમનાથ અમૃતપર્વ દરમિયાન યોજાનારો આ ભવ્ય સૂર્યકિરણ એર શો માત્ર એક હવાઈ પ્રદર્શન નહીં પરંતુ દેશભક્તિ, શૌર્ય અને આધુનિક ભારતીય વાયુશક્તિનું જીવંત પ્રતિક બની રહેશે.

Advertisement