સિડની: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં વસતા ગુજરાતીઓ દ્વારા ૧ મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. ‘ગરવી ગુજરાત ઓસ્ટ્રેલિયા’ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ‘વિવિધતામાં એકતા’ના મંત્ર સાથે સંપન્ન થયો હતો, જેમાં પ્રવાસી ગુજરાતી સમાજે પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ગૌરવનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થના અને ત્યારબાદ ભારત તથા ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નિરંજન પટેલે વિડિયો સંદેશ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી અને ગરવી ગુજરાત ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) હેઠળ આ ઉજવણીમાં સહભાગી થવું એ ગૌરવની વાત છે. તેમણે સંસ્થાના પ્રતિનિધિઓ પાર્થભાઈ પટેલ, અંકુરભાઈ પટેલ, ચેતનભાઈ, ધવતભાઈ શાહ અને તુષારભાઈ મજમુદાર સહિત તમામ ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા.
૧ મે ૧૯૬૦ના રોજ થયેલી ગુજરાત રાજ્યની સ્થાપનાની યાદમાં આયોજિત આ મહોત્સવમાં માતૃભૂમિથી હજારો માઈલ દૂર હોવા છતાં સાંસ્કૃતિક નૃત્યો અને સંગીતના સથવારે મિની ગુજરાત જેવો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે સિડનીના ડેપ્યુટી CGI નીરવ સુથારીયા, હિલ્સ શાયર કાઉન્સિલના રીના જેઠી, પેરામેટા કાઉન્સિલના સમીર પાંડે, મોહિત કુમાર, નવનીત કેથીરેડ્ડી તેમજ હિન્દુ કાઉન્સિલ, વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ઓસ્ટ્રેલિયા અને વિવિધ પ્રાંતિય એસોસિએશનના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ ગરવી ગુજરાત ઓસ્ટ્રેલિયાની કોર ટીમે તમામ પ્રાયોજકો, કલાકારો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સ્વાદિષ્ટ રાત્રિ ભોજનનો આનંદ માણ્યો હતો, જે સાથે જ ‘જય જય ગરવી ગુજરાત’ અને ‘વંદે માતરમ’ના નાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.