વડોદરામાં નકલી ચલણી નોટોના રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. શેરબજારમાં ભારે નુકસાન થતાં આર્થિક સંકટમાં ફસાયેલા બે મિત્રોએ ઝડપથી કમાણી કરવાની લાલચે નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરવાનું શરૂ કર્યું હતું.
મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વાઘોડિયા રોડ પર આવેલી એક બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાયેલી 200 રૂપિયાની સાત નકલી નોટો મળી આવી હતી. ફરિયાદના આધારે એસ.ઓ.જી.એ તપાસ શરૂ કરી અને ટેક્નિકલ માહિતીના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા.
પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી વધુ શંકાસ્પદ નોટો પણ મળી આવી હતી, જેને ફોરેન્સિક તપાસમાં નકલી હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન બંનેએ કબૂલ્યું કે શેરબજારમાં સતત નુકસાન થતાં આર્થિક તંગી ઊભી થઈ હતી, જેના કારણે તેઓએ બારડોલી નજીકથી નકલી ચલણી નોટો મેળવી બજારમાં ચલાવવાનું શરૂ કર્યું હતું.
હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આ નકલી નોટોના મુખ્ય સૂત્રધાર તેમજ સમગ્ર રેકેટ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.