દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના બનાવો વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંક ગ્રાહકોની સુરક્ષા માટે નવા પગલાં લેવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત બેંકિંગ વ્યવસ્થામાં વધુ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘સ્ટોપ સ્વિચ’ નામની ઇમરજન્સી સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ નવી સુવિધા હેઠળ ગ્રાહકોને પોતાની બેંકિંગ એપમાં એક ખાસ ઇમરજન્સી બટન મળશે. જો કોઈ ગ્રાહકને પોતાનું બેંક ખાતું હેક થવાની અથવા અનધિકૃત ટ્રાન્ઝેક્શન થવાની શંકા જાય, તો આ બટન દ્વારા એક જ ક્લિકમાં ખાતામાંથી નાણાંની લેવડદેવડ તાત્કાલિક રોકી શકાશે.
આટલું જ નહીં, નવા પ્રસ્તાવમાં ગ્રાહકોને પોતાના ખાતામાંથી દરરોજ કેટલા નાણાં ટ્રાન્સફર કરી શકાય તેની મર્યાદા જાતે નક્કી કરવાની સુવિધા આપવાની પણ વાત છે. સાથે જ મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે પરિવારના કોઈ વિશ્વાસુ સભ્યની મંજૂરી ફરજિયાત રાખવાનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે.
RBI દ્વારા આ પ્રસ્તાવિત નિયમો અંગે સામાન્ય નાગરિકો અને સંબંધિત પક્ષકારો પાસેથી 14 ડિસેમ્બર 2026 સુધી સૂચનો અને અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. મળેલા સૂચનોના આધારે અંતિમ નિયમો નક્કી કરવામાં આવશે.
પ્રસ્તાવિત સમયપત્રક મુજબ, તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ નવા સુરક્ષા નિયમો 1 જુલાઈ 2027થી અમલમાં આવી શકે છે. આ વ્યવસ્થા લાગુ થશે તો ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોને સાયબર છેતરપિંડી સામે વધુ નિયંત્રણ અને સુરક્ષા મળી શકશે.