અમદાવાદ: એશિયાની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો કેદી માલદે પરમાર જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. ગઈકાલે (૧૧ મે) સવારે જ્યારે જેલના સ્ટાફની શિફ્ટ બદલાવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે તકનો લાભ લઈને આ કેદી કોઈની પણ નજરે ચઢ્યા વિના જેલની બહાર નીકળી ગયો હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે.
મૂળ પોરબંદરના બગવદરનો રહેવાસી માલદે પરમાર વર્ષ ૨૦૨૫થી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને તેને સારવાર અર્થે રાજકોટથી અમદાવાદની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જેલના નિયમ મુજબ સવારે અને સાંજે જ્યારે કેદીઓની ગણતરી કરવામાં આવી ત્યારે આ કેદી ગુમ હોવાનું જણાયું હતું. તપાસ બાદ જેલર દેવદત્તસિંહ ગોહિલે રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, આરોપી જેલમાં નાનું-મોટું કામ કરતો હોવાથી તેની અવરજવર સામાન્ય લાગતી હતી, જેનો તેણે ગેરલાભ ઉઠાવ્યો છે.
આ ઘટનાને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, રાણીપ પોલીસ અને સ્થાનિક ઝોનની ટીમોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીના લોકેશનને ટ્રેક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગવાની આ બીજી ઘટના છે, જેના કારણે પોલીસની કાર્યપ્રણાલી અને જેલની અત્યંત ચુસ્ત ગણાતી સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.