સાળંગપુર: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં અદ્ભુત નઝારો જોવા મળ્યો હતો. હોળીના પર્વ પૂર્વે દાદાને કેસુડાના ફૂલોનો વિશેષ શણગાર અને ધાણી-ખજૂરનો અન્નકૂટ ધરાવી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
કેસુડાના વાઘા અને મનમોહક શણગાર શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવારના રોજ દાદાને કેસુડાના ફૂલોમાંથી તૈયાર કરેલા વિશેષ વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને પણ કેસુડાથી શણગારીને વસંતઋતુનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને ૦૭:૦૦ કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.
ધાણી-ખજૂર અને ડાળિયાનો અન્નકૂટ હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને દાદાને આજે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં ધાણી, ખજૂર, ડાળિયા, તલના લાડુ, મમરાના લાડુ અને સીંગપાક જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો. આ સાથે જ મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોએ દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
૦૩ માર્ચે ગુજરાતનો સૌથી મોટો ‘રંગોત્સવ’ આગામી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે સાળંગપુરધામમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૦૩ માર્ચ ૨૦૨૬, પૂર્ણિમાના દિવસે દાદાને વિશેષ શણગાર કરવામાં આવશે. આ દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય હોળી ખેલવામાં આવશે. આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.