Advertisement

રોકાણકારો ચેતી જજો! સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ બચાવવાની જૂની ટ્રીક હવે નહીં ચાલે.

રોકાણકારો ચેતી જજો! સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ બચાવવાની જૂની ટ્રીક હવે નહીં ચાલે.

નવી દિલ્હી: ભારતમાં સોનામાં રોકાણ કરનારાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ હેઠળ ટેક્સ છૂટના નિયમોમાં પાયાનો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે SGB ની મેચ્યોરિટી પૂરી થયા બાદ તેના વેચાણ પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડતો નહોતો, પરંતુ હવે સરકારે આ છૂટ નાબૂદ કરી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ 1 એપ્રિલથી સેકન્ડરી માર્કેટ એટલે કે શેરબજારમાંથી ખરીદેલા ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પૂર્ણ થયા બાદ લેવડ-દેવડ કરશે, તો તેણે ફરજિયાતપણે કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. આ મહત્વપૂર્ણ ફેરફાર ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવ્યો છે જે રોકાણકારોની કમાણી પર સીધી અસર કરશે.


નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2026 થી ટેક્સ ફ્રી લાભનો દાયરો મર્યાદિત થઈ જશે. હવે આ સુવિધા માત્ર એવા જ રોકાણકારોને મળશે જેમણે પ્રાઈમરી ઈશ્યુ દરમિયાન સીધા RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) પાસેથી SGB ખરીદ્યા હોય અને તેને છેક મેચ્યોરિટી સુધી પોતાની પાસે જાળવી રાખ્યા હોય. જો તમે શરૂઆતના ઈશ્યુ સમયે સીધા RBI પાસેથી બોન્ડ ખરીદવાને બદલે બજારમાંથી એટલે કે કોઈ બીજા વ્યક્તિ પાસેથી એક્સચેન્જ દ્વારા બોન્ડ લીધા હશે, તો સરકાર તમારા નફા પર ટેક્સ વસૂલશે. આ નવા નિયમને કારણે હવે રોકાણકારોના બે સ્પષ્ટ ભાગ પડી જશે: એક એવા જેઓ સીધું રોકાણ કરીને ટેક્સ બચાવશે અને બીજા એવા જેઓ બજારમાંથી ખરીદી કરીને ટેક્સના દાયરામાં આવશે.


ટેક્સની ગણતરીમાં થયેલા આ ફેરફારને એક સાદા ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. અત્યાર સુધી રોકાણકારો એક્સચેન્જ પરથી ઓછા ભાવે SGB ખરીદીને મેચ્યોરિટી પર પૂરેપૂરો ટેક્સ ફ્રી નફો મેળવતા હતા. ઉદાહરણ તરીકે, જો તમે એક્સચેન્જમાંથી એક SGB 7,000 રૂપિયામાં ખરીદ્યો હોય અને મેચ્યોરિટી સમયે તેની કિંમત 11,000 રૂપિયા થાય, તો તમને 4,000 રૂપિયાનો નફો થતો હતો. નવા નિયમ મુજબ આ 4,000 રૂપિયાના નફા પર 12.5% લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ વસૂલવામાં આવશે. એટલે કે, તમારે દરેક બોન્ડ દીઠ 500 રૂપિયા ટેક્સ ભરવો પડશે, જે પહેલા શૂન્ય હતો. આ ફેરફારથી સેકન્ડરી માર્કેટમાંથી ડિસ્કાઉન્ટ ભાવે SGB ખરીદીને ટેક્સ-ફ્રી રિટર્ન મેળવવાની વ્યૂહરચના હવે નિષ્ફળ સાબિત થશે. જો તમે ખરેખર ટેક્સ બચાવવા માંગતા હોવ, તો હવેથી સીધા RBI ના ઈશ્યુ વખતે જ સબસ્ક્રિપ્શન લેવું હિતાવહ રહેશે.

Advertisement