Advertisement

રાષ્ટ્રહિતમાં ઇંધણ બચત માટે પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય

રાષ્ટ્રહિતમાં ઇંધણ બચત માટે પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની કરાયેલી અપીલને રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આવકારી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રીશ્રીએ પોતાની સુરક્ષામાં ઉપયોગમાં લેવાતી પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સાદગી અને રાષ્ટ્રહિતનો સંદેશ આપ્યો છે.


મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમગ્ર જીવન દેશના વિકાસ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સમર્પિત છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિ અને યુદ્ધ જેવા માહોલ વચ્ચે ભારત પાસે પૂરતો તેલ જથ્થો ઉપલબ્ધ હોવા છતાં નાગરિકો ઇંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે તે દેશની આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ બની શકે છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના એક જવાબદાર નાગરિક અને કાર્યકર તરીકે તેઓ પણ આ અભિયાનમાં સહભાગી બનવા માંગે છે. જેના ભાગરૂપે આજથી પોતાની સુરક્ષામાં રહેલી પાયલોટિંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે માત્ર અત્યંત જરૂરી અથવા આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવશે.


મંત્રીશ્રીના આ નિર્ણયને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે. સામાન્ય જનતામાં પણ ઇંધણ બચત અને સાદગીપૂર્ણ જીવનશૈલી અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો છે.

Advertisement