ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સૌજન્ય મુલાકાત દરમિયાન દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર બંને આગેવાનો વચ્ચે વિસ્તૃત ચર્ચા-વિમર્શ થયો હતો.
મુલાકાત દરમિયાન ખાસ કરીને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે યુવા શક્તિને કૌશલ્યબદ્ધ બનાવી રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોને રમતગમત, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે વધુ તકો ઉપલબ્ધ થાય તે દિશામાં કેન્દ્ર સરકારના પ્રયાસોને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
રાજ્યપાલશ્રીએ દેશના રમતગમત ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કેન્દ્રીય મંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાં રમતગમતનું મજબૂત બની રહેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા આગામી સમયમાં રાજ્યમાં યોજાનારી વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓ અંગે પણ બંને આગેવાનો વચ્ચે ચર્ચા થઈ હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના જનઆંદોલનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તંદુરસ્ત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે ઝેરમુક્ત અને પ્રાકૃતિક ખેતી અત્યંત આવશ્યક છે. રાજ્યપાલશ્રીએ પણ યુવા પેઢી આધુનિક ટેકનોલોજી સાથે પરંપરાગત અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવે તે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી દ્વારા ગ્રામ કલ્યાણ, શિક્ષણ, સ્વચ્છતા અને સામાજિક સમરસતા વધારવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા વિવિધ પ્રયત્નોની પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ સરાહના કરી હતી.