પોરબંદરમાં આવતીકાલથી જન્માષ્ટમી લોકમેળો, તંત્ર સજ્જ!

પોરબંદરમાં આવતીકાલથી જન્માષ્ટમી લોકમેળો, તંત્ર સજ્જ!

પોરબંદરમાં આવતીકાલથી જન્માષ્ટમી લોકમેળો, તંત્ર સજ્જ!


પોરબંદરમાં આવતીકાલથી પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાનો રંગ જામવાનો છે. લાખો લોકો મેળાની મજા માણવા ઉમટી પડે તે પહેલાં મેળાગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

મહત્વની વાત એ છે કે લોકોની મોજ સાથે સુરક્ષાને પણ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાઈડ સેફ્ટી કમિટી, ઇલેક્ટ્રિકલ વિભાગ અને ફાયર ટીમ દ્વારા મેળાગ્રાઉન્ડમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.

ચકડોળ, ડ્રેગન બોટ સહિતની તમામ યાંત્રિક રાઈડ્સનું સ્ટેબિલિટી અને ફિટનેસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માન્ય લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજો ધરાવતી રાઈડને જ મંજૂરી આપવામાં આવશે.

ગત વર્ષની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હોડી અને ઊંચી રાઈડ્સમાં ખાસ સેફ્ટી જાળીઓ લગાવવામાં આવી છે. સાથે જ ભીડને નિયંત્રિત કરવા માટે ચકડોળ વિભાગ વચ્ચે ખુલ્લી જગ્યા અને પહોળા રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત વીજ વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ સાધનોનું ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. ફાયર ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે ખાસ મોકડ્રીલ પણ યોજાશે.

મેળા દરમિયાન દબાણ હટાવ ટીમ, ફૂડ સેફ્ટી ટીમ અને રાત્રિ સફાઈ માટેની સેનિટેશન ટીમ 24 કલાક તૈનાત રહેશે.

તંત્રનું કહેવું છે કે તમામ સુરક્ષા માપદંડોની ચકાસણી પૂર્ણ થયા બાદ આવતીકાલ સવારથી મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

એટલે પોરબંદરમાં કાનુડાનો મેળો ભરાશે… રાઈડ્સ ફરશે, મેળામાં રોનક જામશે અને સુરક્ષાની જવાબદારી તંત્ર સંભાળશે!