PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત, કહ્યું- આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે

PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત, કહ્યું- આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં મુસાફરોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ કેપ્ટન સ્મિતની હિંમત, સંયમ અને સૂઝબૂઝની પ્રશંસા કરી હતી અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ વાતચીતની શરૂઆતમાં કહ્યું કે સમગ્ર દેશ કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સ્મિતના સાહસ અને સમજદારીને કારણે અનેક લોકોના જીવ બચી શક્યા.

‘હું મારા જીવન માટે લડી રહ્યો હતો’

વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિતે પીએમ મોદીને ઘટનાની વિગતો જણાવતાં કહ્યું કે તેઓ તે સમયે ગંભીર રીતે ઘાયલ હતા અને પોતાના જીવન માટે લડી રહ્યા હતા. લાંબા સમયથી પાઇલટ તરીકે કામ કરવાનો અનુભવ હોવાથી વિમાનની સ્થિતિનો તેમને અંદાજ આવી રહ્યો હતો.

સ્મિતે જણાવ્યું કે તેમને સમજાઈ ગયું હતું કે વિમાન ગંભીર સ્થિતિમાં છે અને જો તે સમયે કંઈ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ સ્થિતિમાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો.

તેમણે કહ્યું કે તે સમયે તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા. સ્મિતે પીએમ મોદીને કહ્યું કે મુશ્કેલીના સમયે તેઓ હંમેશા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને આ ઘટનામાં પણ તેમને ભગવાને જ બચાવ્યા હોવાનો તેમને વિશ્વાસ છે.

‘તમે મારી સામે ભાવુક નહીં થાવ તો ક્યાં થશો’

વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિત ભાવુક થઈ ગયા અને કહ્યું કે વડાપ્રધાનનો ફોન તેમના માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે પીએમ મોદી સાથે તેમની સીધી વાત થશે.

આ દરમિયાન પીએમ મોદીએ તેમને સાંત્વના આપતાં કહ્યું કે, “સ્મિત, તમે મારી સામે ભાવુક નહીં થાવ તો ક્યાં થશો.”

પીએમ મોદીએ કહ્યું કે કેપ્ટન સ્મિતે એવું કામ કર્યું છે જેના કારણે દેશવાસીઓ તેમને જોવા અને તેમની સાથે વાત કરવા માટે આતુર છે.

PM મોદીએ સ્મિતની માતા અને પત્નીની પણ કરી પ્રશંસા

પીએમ મોદીએ વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિતની માતા ગીતાબેન અને પત્ની સોનલબેનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમણે સ્મિતની માતા સાથે વાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે ગીતા નામ હોવા સાથે તેમણે પોતાના પુત્રને ભગવદ્‌ગીતાના સંસ્કાર પણ આપ્યા છે.

પીએમ મોદીએ સ્મિતની પત્ની સોનલબેનની પણ હિંમતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સોનલબેન ખૂબ જ સ્વસ્થતા અને હિંમતથી વાત કરી રહ્યા હતા.

‘અમે દેશથી દૂર છીએ, સંસ્કૃતિથી નહીં’

કેપ્ટન સ્મિતે વાતચીત દરમિયાન પોતાના પરિવાર અને સંસ્કાર વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે તેઓ દરરોજ સવારે પૂજા કરે છે અને તેમનો બે વર્ષનો પુત્ર પણ તેમની સાથે રહે છે.

સ્મિતે કહ્યું કે, “અમે દેશથી દૂર છીએ, સંસ્કૃતિથી નહીં.”

આ વાત પર પીએમ મોદીએ પણ સહમતિ વ્યક્ત કરી હતી.

દેશભરમાં સ્મિત માટે પ્રાર્થનાઓ

પીએમ મોદીએ જણાવ્યું કે કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય માટે દેશભરમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે. વિવિધ મંદિરો અને તીર્થસ્થળોમાં તેમના દીર્ઘાયુ અને ઝડપથી સ્વસ્થ થવા માટે પૂજા અને આરતી કરવામાં આવી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે ભારત પોતાના આ બહાદુર પાઇલટનું સ્વસ્થ થયા બાદ સ્વાગત કરવા માટે આતુર છે.

ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સંભાળ્યું વિમાન

ઘટના દરમિયાન કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમ છતાં તેમણે હિંમત ન હારી. કોકપિટ સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યા બાદ મુસાફરો અને અન્ય ક્રૂ સભ્યો અંદર પહોંચ્યા હતા.

વિમાનમાં હાજર ફ્લાયદુબઈના બે ઑફ-ડ્યુટી પાઇલટે પણ કોકપિટમાં પહોંચી વિમાનનું નિયંત્રણ સંભાળવામાં મદદ કરી હતી. ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

વિમાનમાં શું બન્યું?

પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનમાંથી પહેલાં 7700 ઇમરજન્સી કોડ અને ત્યારબાદ 7500 હાઇજેક કોડ મોકલવામાં આવ્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ માહિતી અનુસાર વિમાનની ઊંચાઈમાં પણ ઝડપથી ઘટાડો થયો હતો.

ઘટના દરમિયાન કોકપિટમાં પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે ઝઘડો થયો હોવાના અહેવાલ છે. જોકે ઝઘડાનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

મુસાફરો અને અન્ય પાઇલટ્સની મદદથી કોકપિટનું નિયંત્રણ ફરી મેળવવામાં આવ્યું હતું અને વિમાનને સુરક્ષિત સ્થળે ઉતારવામાં આવ્યું.

13 વર્ષથી વધુનો ફ્લાઇંગ અનુભવ

કેપ્ટન સ્મિત મચ્છર પાસે કમર્શિયલ એરક્રાફ્ટ ઉડાવવાનો લાંબો અનુભવ છે. તેઓ અગાઉ સ્પાઇસજેટ સાથે પણ કામ કરી ચૂક્યા છે અને બાદમાં ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા.

તેમણે બોઇંગ 737 વિમાન પર હજારો કલાકની ઉડાન ભરી છે. પાઇલટ તરીકેના અનુભવ ઉપરાંત તેઓ અન્ય પાઇલટ્સની તાલીમ, તપાસ અને માર્ગદર્શન સાથે જોડાયેલી જવાબદારીઓ પણ સંભાળી ચૂક્યા છે.

‘અહિંસા તમે જીવીને બતાવી’

વાતચીતના અંતે પીએમ મોદીએ ગાંધી જયંતિનો ઉલ્લેખ કરતાં કેપ્ટન સ્મિતને કહ્યું કે અહિંસા શું હોય છે તે તેમણે પોતાના કાર્યથી જીવીને બતાવ્યું છે.

પીએમ મોદીએ કેપ્ટન સ્મિતને ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેઓ જ્યારે પણ જરૂર પડે ત્યારે એક ફોનના અંતરે છે.

કેપ્ટન સ્મિતે પણ પીએમ મોદીનો આભાર માન્યો અને તેમની સાથે વાત કરવી પોતાના માટે ગૌરવની ક્ષણ ગણાવી.