Advertisement

ફોર્મ પરત ખેંચાવવાના મુદ્દે બખેડો: શૈલેષ મહેતા સાથે ધક્કામુક્કી

ફોર્મ પરત ખેંચાવવાના મુદ્દે બખેડો: શૈલેષ મહેતા સાથે ધક્કામુક્કી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સાઠોદ બેઠકને લઈને ભારે હંગામો સર્જાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પાટણવાડિયાનું ઉમેદવારી પત્ર દબાણ હેઠળ પરત ખેંચાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપોને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું.


મળતી માહિતી મુજબ, ઉમેદવારી પરત ખેંચાવવા માટે ધારાસભ્ય અને તેમના પુત્ર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં જ કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. વાત એટલી વણસી ગઈ કે લગભગ 15 થી 20 મિનિટ સુધી કચેરીમાં અફરાતફરી મચી રહી અને બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ.


ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડી પોતાના ઉમેદવારોને બિનહરીફ બનાવવા માટે દબાણની રાજનીતિ અપનાવી રહ્યો છે. હાલ પોલીસે બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement