આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના સાંસેજ ગામે મતદાન દરમ્યાન એક દુઃખદ ઘટના સામે આવી છે. બુથ નં. ૧ પર ફરજ બજાવતા અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમિતભાઈ સાંસેજ ગ્રામપંચાયત ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને મતદાન કામગીરી દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી.
સ્થળ પર હાજર ગ્રામજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે તેમને તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તપાસ બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે સાંસેજ ગામે પેટલાદ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી, જેના કારણે સ્થાનિક સ્તરે શોકનો માહોલ ફેલાયો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.