નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, દિગ્ગજોની ટિકિટ કપાઈ નવા ચહેરાઓને તક

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, દિગ્ગજોની ટિકિટ કપાઈ નવા ચહેરાઓને તક


નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે આ વખતે શિસ્ત અને નવા નેતૃત્વને પ્રાધાન્ય આપવાની નીતિ અપનાવી છે, જેના કારણે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાઈ ગઈ છે અને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ઉમેદવારોની યાદી જાહેર થતાં જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે.


ભાજપે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 21 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે એક બેઠક હજી બાકી રાખવામાં આવી છે. તાલુકા પંચાયતની 102 બેઠકોમાંથી 101 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. બાકી રહેલી બેઠકો માટે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


પક્ષે આ વખતે ‘ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડનાર ઉમેદવારને ટિકિટ નહીં’ આપવાની કડક નીતિ અમલમાં મૂકી છે. આ નિર્ણયને કારણે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનજી વસાવા અને પર્યુષા વસાવાની ટિકિટ કપાઈ ગઈ છે. ઉપરાંત હાલના પ્રમુખ ભીમસિંગ તડવીને પણ આ વખતે તક આપવામાં આવી નથી. પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના સાળા અને પૂર્વ ઉપપ્રમુખ કિરણ વસાવાનું નામ પણ યાદીમાંથી બહાર રહ્યું છે.


બીજી તરફ, કેટલાક નવા અને કેટલાક કાર્યરત નેતાઓ પર પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમલેથા બેઠક પરથી તત્કાલીન આરોગ્ય સમિતિના ચેરમેન રસ્મિતા વસાવાને ફરી ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે. ખડગદા બેઠક પરથી પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવીના પિતરાઈ ભાઈ પદમબાબુ તડવીને જિલ્લા પંચાયત માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કેવડિયા બેઠક પરથી હાલના જિલ્લા પંચાયત સભ્ય દિનેશ તડવીની પત્નીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


જિલ્લા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારો જાહેર થઈ ગયા હોવા છતાં રાજપીપલા નગરપાલિકાની 28 બેઠકો માટે હજુ પણ પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. આંતરિક ગૂંચવણોને કારણે નગરપાલિકાના ઉમેદવારોની યાદી હાલ માટે અટકાવી દેવામાં આવી છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.