Advertisement

નકલી દવાના કાળા કારોબાર પર FDCAની સર્જિકલ સ્ટ્રાઈક: અમદાવાદ, વડોદરા અને ભરૂચમાંથી ₹1.21 કરોડનો જથ્થો જપ્ત

નકલી દવાના કાળા કારોબાર પર FDCAની સર્જિકલ સ્ટ્રાઈક: અમદાવાદ, વડોદરા અને ભરૂચમાંથી ₹1.21 કરોડનો જથ્થો જપ્ત

ગાંધીનગર: ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દવાના માફિયાઓ વિરુદ્ધ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) એ લાલ આંખ કરી છે. ગાંધીનગરથી મળેલી ચોક્કસ સૂચનાના આધારે અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન કુલ ₹1.21 કરોડની કિંમતની નકલી અને શંકાસ્પદ દવાઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દવાઓ વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


 આ ઓપરેશનમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત નશાકારક દવાઓનું વેચાણ છે. તપાસ દરમિયાન ₹76.51 લાખની કિંમતની 'કોડીન સિરપ' (Codeine Syrup) ની બોટલો મળી આવી હતી. આ સિરપનો ઉપયોગ દવાની આડમાં નશા માટે કરવામાં આવતો હોવાની પ્રબળ આશંકા છે. તંત્રએ આ આખો જથ્થો પ્રોહિબિટ કરીને સીલ કરી દીધો છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં ફેલાયેલા આ નેટવર્કમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે હવે તપાસનો ધમધમાટ વધુ તેજ કરવામાં આવ્યો છે.


 FDCA ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલી આ દવાઓ કોઈપણ પરવાના વગર અને નિયત ધોરણોનું ઉલ્લંઘન કરીને વેચવામાં આવતી હતી. આવી નકલી દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. તંત્રએ જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકોના જીવ સાથે રમત કરનાર કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં. આટલી મોટી માત્રામાં જથ્થો પકડાતા ફાર્મા માર્કેટમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

Advertisement