પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવી સરકારની રચનાને લઈને રાજકીય હલચલ તેજ બની ગઈ છે. ચૂંટણી પંચે નવી વિધાનસભાની રચના માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી રાજ્યપાલને મોકલી આપી છે. આ સાથે જ રાજ્યમાં નવી સરકારના ગઠન અને શપથ ગ્રહણ માટેની બંધારણીય પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આ વિકાસને મમતા બેનરજી માટે રાજકીય ઝટકા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે, કારણ કે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી આ અધિસૂચના બાદ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક અંત આવ્યો છે. હવે નવા ધારાસભ્યોના શપથ અને સરકાર રચનાની કાર્યવાહી આગળ વધશે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયા નિયમો મુજબ પૂર્ણ કરવામાં આવી છે અને હવે રાજ્યપાલ દ્વારા આગામી પગલાં લેવામાં આવશે.
રાજકીય સૂત્રો મુજબ, 8 મેના રોજ ભાજપના ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ 9 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભાજપની નવી સરકાર શપથ લઈ શકે છે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એનડીએના અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.