નડિયાદ: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને ક્ષત્રિય સમાજના કદાવર નેતા પર્બતસિંહ ડાભીએ કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે અંદાજે 50 જેટલા સક્રિય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાતા મહેમદાવાદ તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.
નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પર્બતસિંહ ડાભીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી તેમજ મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં આ જોડાણ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. પર્બતસિંહ ડાભીની સાથે તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો અને ઘોડાસર ગામના પૂર્વ સરપંચો પણ કેસરીયો ધારણ કરી ભાજપના વિકાસના મંત્રમાં જોડાયા હતા.
પર્બતસિંહ ડાભી મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને ગ્રામ્ય સ્તરે તેમનું મજબૂત વર્ચસ્વ છે. તેમના આ જોડાણથી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પર્બતસિંહ જેવા અનુભવી નેતાના આગમનથી મહેમદાવાદમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે અને સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વેગ મળશે.