આણંદ, શુક્રવાર : કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધીના માર્ગને 'વ્હાઇટ ટોપિંગ રોડ' તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગત્યની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે હેતુથી, સદર રસ્તો આગામી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ સુધીના સમયગાળા માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે તેમ જણાવ્યું છે.
ઉક્ત કામગીરી દરમિયાન રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધી ભારે વાહનો તેમજ અન્ય તમામ વાહનો માટે પ્રતિબંધ રહેશે. જેથી આ સમયગાળા દરમિયાન વાહનવ્યવહાર ખોરવાય નહીં અને જાહેર જનતાને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
જે અનુસાર વાહનોએ રામદેવપીર મંદિરથી તિરુપતિ રોડ પર આવેલ સપ્તદેવ મંદિર સામે મણીબેન માર્ગ પર થઈ શપથ રેસીડેન્સી થઈ ઇસ્કોન ચોકડી થઈ વિદ્યાનગર જવાનું રહેશે તેમજ વાહનોએ કરમસદ જવા માટે પણ આ જ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
અન્ય જાહેર કરાયેલ રૂટ મુજબ આણંદ-સોજિત્રા રોડ પર થઈ જનતા ચોકડીથી વિદ્યાનગર રોડ તરફ જઈ શકાશે. તેમજ ભારે વાહનો માટે રામદેવપીર મંદિરથી તિરુપતિ પેટ્રોલ પંપ રોડ થઈ જનતા ચોકડીથી વિદ્યાનગર તરફ જવાનો રસ્તો ખુલ્લો રહેશે.
આ જાહેર નોટિસનું પાલન કરવા અને વિકાસલક્ષી કામગીરીમાં સહકાર આપવા કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.