Advertisement

કરમસદ-આણંદ મનપાના પ્રથમ મેયર માટે સસ્પેન્સ યથાવત, આજે થશે મહત્વપૂર્ણ ચૂંટણી

કરમસદ-આણંદ મનપાના પ્રથમ મેયર માટે સસ્પેન્સ યથાવત, આજે થશે મહત્વપૂર્ણ ચૂંટણી

આણંદ, 28 મે : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે કોણ બિરાજમાન થશે તે અંગેનું સસ્પેન્સ આજે પૂર્ણ થવાની શક્યતા છે. પ્રથમ અઢી વર્ષ માટે મેયરપદ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવતા ભાજપમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. કરમસદ, મોગરી, લાંભવેલ અને વિદ્યાનગર વિસ્તારની મહિલા આગેવાનો વચ્ચે દાવેદારી મજબૂત બનતાં રાજકીય માહોલ ગરમાયો છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બરાબર એક મહિના પછી આજે મહાનગરપાલિકાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા સંભવિત નામોની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે. આજે સવારે કમલમ ખાતે ચૂંટાયેલા સભ્યોની બેઠક યોજાશે, જેમાં પક્ષ તરફથી વ્હીપ આપવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાનગરપાલિકાના સભાખંડમાં સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે 26 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 13 વોર્ડની કુલ 52 બેઠકોમાંથી ભાજપે પ્રચંડ બહુમતી સાથે 43 બેઠકો જીતી હતી. કોંગ્રેસને માત્ર 8 બેઠકો મળી હતી જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. ચૂંટણી પહેલાં જ ભાજપે 12 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી.


સૂત્રોના જણાવ્યા અનુસાર, મેયરપદ માટે પટેલ સમાજની મહિલાને પ્રાથમિકતા આપવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ ડેપ્યુટી મેયરનું પદ ક્ષત્રિય સમાજના નેતાને ફાળે જાય તેવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ સમીકરણો મુજબ નામોની પસંદગી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


કોંગ્રેસ દ્વારા પણ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જોકે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી અંતિમ નિર્ણય પક્ષ હાઈકમાન્ડના વલણ પર નિર્ભર રહેશે.


ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ મહિલા મેયર માટે અનુભવી અને કાર્યક્ષમ મહિલા નેતાને તક આપવામાં આવશે. સરદાર પટેલના માદરે વતન કરમસદનો મહાનગરપાલિકામાં સમાવેશ હોવાથી આ વિસ્તારની મહિલાને પ્રથમ મેયર બનાવવામાં આવે તો નવાઈ નહીં તેવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.

Advertisement