કપડવંજ: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેમાં કૌટુંબિક કંકાસને કારણે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. ભાવાના મુવાડા ગામની એક મહિલાએ પારિવારિક વિખવાદથી કંટાળીને પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ અત્યંત કરુણ ઘટનામાં પત્ની અને બંને બાળકીઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે પરિવારને બચાવવાની મથામણમાં કેનાલમાં કૂદેલો પતિ હજુ પણ લાપતા હોવાથી અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, શુક્રવારે આ મહિલા પોતાની બે દીકરીઓને લઈને ફતિયાવાદ કેનાલના પુલ પર પહોંચી હતી. મનમાં ચાલી રહેલા ભારે આક્રોશ કે હતાશાને કારણે મહિલાએ ક્રૂરતાની હદ વટાવી સૌ પ્રથમ પોતાની બંને પુત્રીઓને કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દીધી અને ત્યારબાદ પોતે પણ મોતની છલાંગ લગાવી હતી. આ દ્રશ્ય જોઈ પાછળથી દોડી આવેલા પતિએ પોતાની નજર સામે પરિવારને ડૂબતો બચાવવા માટે પળનો પણ વિચાર કર્યા વિના કેનાલના ધસમસતા પ્રવાહમાં કૂદકો માર્યો હતો, પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં આખો પરિવાર ગરકાવ થઈ ગયો હતો.
આ આઘાતજનક બનાવની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કપડવંજ ફાયર બ્રિગેડ તેમજ આંતરસુબા પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન બાદ મહિલા અને બંને બાળકીઓના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી પતિનો કોઈ પત્તો મળ્યો નથી, જેના માટે સર્ચ ઓપરેશન હજુ પણ કાર્યરત છે. હાલમાં પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.