કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026: પુરુષ ટીમે યુગાન્ડાને અને મહિલા ટીમે સિંગાપોરને હરાવ્યું

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026: પુરુષ ટીમે યુગાન્ડાને અને મહિલા ટીમે સિંગાપોરને હરાવ્યું

અમદાવાદમાં રમાઈ રહેલી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમોની વિજયકૂચ યથાવત્; પુરુષોએ 44-30થી જ્યારે મહિલાઓએ 32-16થી નોંધાવ્યો ભવ્ય વિજય

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં યોજાઈ રહેલી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ટૂર્નામેન્ટના બીજા દિવસે ભારતીય પુરુષ ટીમે યુગાન્ડાને 44-30થી હરાવ્યું હતું. બીજી તરફ, ભારતીય મહિલા ટીમે સિંગાપોરને 32-16થી પરાજય આપીને પોતાની જીતનો સિલસિલો આગળ વધાર્યો હતો.

પુરુષ ટીમનો દમદાર દેખાવ, યુગાન્ડાને 14 પોઈન્ટથી હરાવ્યું

ભારતીય પુરુષ ટીમ અને યુગાન્ડા વચ્ચેની મેચની શરૂઆતમાં બંને ટીમો વચ્ચે રસાકસી જોવા મળી હતી. શરૂઆતમાં યુગાન્ડાએ ભારતને ટક્કર આપતાં સ્કોર 4-3 સુધી પહોંચાડ્યો હતો. જોકે, ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આક્રમક રેડ અને મજબૂત ડિફેન્સના જોરે મેચ પર પકડ મજબૂત બનાવી હતી.

ભારતીય ટીમે યુગાન્ડાને ઓલઆઉટ કરીને 13-4ની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ પણ ભારતીય ખેલાડીઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને અંતે 44-30ના સ્કોર સાથે 14 પોઈન્ટથી જીત મેળવી હતી.

ભારત તરફથી શિવમ પટારેએ સૌથી વધુ 8 પોઈન્ટ મેળવીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. નવીન કુમાર અને ભરતે 6-6 પોઈન્ટનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત આદિત્ય શિંદે અને પંકજ મોહિતેએ 4-4 પોઈન્ટ મેળવીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મહિલા ટીમે સિંગાપોરને હરાવીને જીત નોંધાવી

મહિલા વર્ગમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ખેલાડીઓએ રેડિંગ અને ડિફેન્સ બંને વિભાગમાં સારો તાલમેલ જાળવી રાખ્યો હતો, જેના કારણે સિંગાપોરની ટીમ દબાણ હેઠળ જોવા મળી હતી.

ભારતીય મહિલા ટીમે 32-16ના સ્કોર સાથે 16 પોઈન્ટના અંતરથી જીત મેળવી હતી. ભારત તરફથી સાક્ષીએ સૌથી વધુ 6 પોઈન્ટ નોંધાવ્યા હતા. રેણુકા, અનુ અને સુમને 4-4 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે ટીમનાં કેપ્ટન નિધિ શર્માએ 3 પોઈન્ટનું યોગદાન આપ્યું હતું.

સિંગાપોર તરફથી આરતી સેલ્વને 4 પોઈન્ટ મેળવ્યા હતા, પરંતુ ભારતીય ટીમના સંગઠિત પ્રદર્શન સામે સિંગાપોરની ટીમ જીત મેળવવામાં નિષ્ફળ રહી હતી.

રવિવારે ભારતના વધુ બે મહત્વના મુકાબલા

ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમોની આગામી કસોટી રવિવારે થશે. ભારતીય મહિલા ટીમ સાંજે 6:45 વાગ્યે યુગાન્ડા સામે મેદાનમાં ઉતરશે. ત્યારબાદ ભારતીય પુરુષ ટીમ રાત્રે 8:00 વાગ્યે મલેશિયા સામે ટકરાશે.

બંને ટીમો હાલ શાનદાર લયમાં હોવાથી આગામી મુકાબલાઓમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, આ મુકાબલાઓનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર નિહાળી શકાશે.

ભારતીય ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન ટૂર્નામેન્ટમાં દેશની મજબૂત દાવેદારી દર્શાવે છે. હવે સૌની નજર આગામી મુકાબલાઓ પર રહેશે, જ્યાં ટીમ ઇન્ડિયા પોતાની વિજયકૂચ આગળ વધારવાનો પ્રયાસ કરશે.