આણંદ LCBની કાર્યવાહી: દારૂ, ચોરેલા સાયલેન્સર અને ડીઝલના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો; હથિયાર આપનારની શોધખોળ શરૂ
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ખંભાતમાં કાર્યવાહી કરીને દેશી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉ વિદેશી દારૂ, ચોરેલા સાયલેન્સર અને ડીઝલ સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે મૂળ ધોળકાના રૂપાલ ગામનો અને હાલ ખંભાતમાં રહેતો આશીફ ઉર્ફે રૂપાલ ઐયુબભાઈ વ્હોરા કતકપુર ત્રણ ઓરડી વડ પાસે એક્ટીવા પર બેઠો છે. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર પહોંચીને તેને ઝડપી પાડ્યો હતો.
આરોપીની અંગજડતી દરમિયાન તેની પાસેથી એક દેશી પિસ્તોલ અને પેન્ટના ખિસ્સામાંથી બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ હથિયારોની કિંમત રૂ. 25,700 હોવાનું જણાવાયું છે. પોલીસે મોબાઈલ ફોન અને એક્ટીવા સહિત કુલ રૂ. 85,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઈરફાન મન્સુરી પાસેથી પિસ્તોલ લીધી હોવાની કબૂલાત
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આશીફે આ પિસ્તોલ ખંભાતના ઈરફાન મન્સુરી પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે આશીફ અને ઈરફાન મન્સુરી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. ઈરફાન મન્સુરીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉના ગુનાઓમાં પણ હતો વોન્ટેડ
પકડાયેલો આશીફ રૂપાલ અગાઉ વિદેશી દારૂ, ચોરેલા સાયલેન્સર અને ડીઝલ સંબંધિત કેસોમાં વોન્ટેડ હતો અને પોલીસથી નાસતો ફરતો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં ગેરકાયદે હથિયારો સામે પોલીસની કાર્યવાહી વચ્ચે આ બનાવને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.