ભારત સરકાર દ્વારા જનગણના-2027ના પ્રથમ તબક્કામાં પ્રથમ વખત “સ્વ-ગણતરી” (Self-Enumeration) પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા દ્વારા નાગરિકો હવે ઘરે બેઠા જ ઓનલાઈન પોર્ટલ અથવા મોબાઈલ મારફતે પોતાની અને પરિવારની માહિતી સરળતાથી ભરી શકશે. સરકારના આ પ્રયાસથી ગણતરીદારો પરનો ભાર ઓછો થશે તેમજ શિક્ષકમિત્રોના સમય અને શક્તિનો પણ બચાવ થશે.
સ્વ-ગણતરી માટેનું અધિકૃત પોર્ટલ https://se.census.gov.in ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગણતરીદાર દ્વારા ઘર-ઘર મુલાકાત પહેલાં 15 દિવસ સુધી આ પોર્ટલ ઉપલબ્ધ રહેશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આશરે 15થી 20 મિનિટનો સમય લાગશે. સફળ સબમિશન બાદ નાગરિકોને 11 અંકનો SE ID આપવામાં આવશે, જે SMS અથવા Email દ્વારા પ્રાપ્ત થશે.
સ્વ-ગણતરી દરમિયાન નાગરિકોએ પ્રથમ પોર્ટલ પર જઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ કુટુંબના મુખ્ય સભ્યનું નામ, મોબાઈલ નંબર અને પસંદગીની ભાષા દાખલ કરીને OTP વેરિફિકેશન કરવું પડશે. રહેણાંક સ્થળની વિગતો તેમજ નકશામાં પોતાના ઘરનું ચોક્કસ સ્થાન દર્શાવી પ્રશ્નાવલી પૂર્ણ કરવાની રહેશે.
અંતિમ સબમિટ કરતાં પહેલાં તમામ વિગતો ચકાસવાની રહેશે, કારણ કે એકવાર સબમિટ કર્યા બાદ ફેરફાર શક્ય નહીં બને. અંતિમ સબમિશન બાદ મળતા SE IDનો સ્ક્રીનશોટ સાચવી રાખવા સૂચના આપવામાં આવી છે. બાદમાં ગણતરીદાર ઘરે આવી SE ID ચકાસશે અને માહિતી માન્ય કરશે.
સરકાર દ્વારા નાગરિકોને માત્ર અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરવા, OTP કોઈ સાથે શેર ન કરવા અને સંપૂર્ણ તેમજ સાચી માહિતી દાખલ કરવા અપીલ કરવામાં આવી છે. જનગણના-2027ની આ નવી પહેલ ડિજિટલ ઇન્ડિયા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.