ઝાયડસ હોસ્પિટલ પાછળ 20થી વધુ વૃક્ષોનું ગેરકાયદે નિકંદન: બે મહિના બાદ કલેક્ટર લાલઘૂમ, મનપાને FIR નોંધવા આદેશ

ઝાયડસ હોસ્પિટલ પાછળ 20થી વધુ વૃક્ષોનું ગેરકાયદે નિકંદન: બે મહિના બાદ કલેક્ટર લાલઘૂમ, મનપાને FIR નોંધવા આદેશ

આણંદ: શહેરમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કરવાના મામલે આખરે જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ પાછળ આવેલા સરકારી પ્લોટમાં 20થી વધુ બાવળનાં વૃક્ષો મંજૂરી વિના કાપી નાખવાના પ્રકરણમાં બે મહિના સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં મામલો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પહોંચ્યો હતો. જ્યાં કલેક્ટરે મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધડો લઈ જવાબદારો સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ, ગત 2 ઓક્ટોબરના રોજ ઝાયડસ હોસ્પિટલ પાછળ આવેલા ખાનગી પ્લોટ-રિસોર્ટના સંચાલક દ્વારા નજીકના સરકારી પ્લોટમાં ઉગેલા 20થી વધુ બાવળનાં વૃક્ષો ગેરકાયદે કપાવી નાખવામાં આવ્યા હતા. આ વૃક્ષો પર્યાવરણની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ હતાં. એક અંદાજ મુજબ, આ વૃક્ષો સરેરાશ 2,400 કિલો ઓક્સિજન આપવાની ક્ષમતા ધરાવતા હતાં.

વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાની જાણ જાગૃત નાગરિક દ્વારા મનપાના ડેપ્યુટી કમિશનરને કરવામાં આવી હતી. ત્યારબાદ બાગબગીચા વિભાગના કર્મચારી રાકેશભાઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, વૃક્ષો કપાવવાના મુખ્ય જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે મનપાની ટીમે લાકડાં ભરવા આવેલા ટ્રેક્ટરને જપ્ત કરીને સંતોષ માન્યો હતો.

આ ઘટનાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં જવાબદાર વ્યક્તિ સામે દંડ કે FIR નોંધવામાં ન આવતાં અરજદારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી. સુનાવણી દરમિયાન જિલ્લા કલેક્ટરે મનપાના અધિકારીને સવાલ કર્યો હતો કે, બે મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી?

કલેક્ટરે આ મામલે કડક વલણ અપનાવી તાત્કાલિક જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવા, પોલીસ ફરિયાદ નોંધવા અને સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. કલેક્ટરના આદેશ બાદ મનપા તંત્ર દ્વારા હવે સંબંધિત રિસોર્ટ સંચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પંચનામા વિના જપ્ત કરાયેલું ટ્રેક્ટર ધમકી બાદ પરત લઈ જવાયું!

આ સમગ્ર પ્રકરણમાં મનપાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વૃક્ષો કાપવાના મામલે લાકડાં ભરવા આવેલા ટ્રેક્ટરને જપ્ત કરવામાં આવ્યું હતું, પરંતુ વાહન જપ્ત કરતી વખતે જરૂરી પંચનામું કે ઔપચારિક નોટિસ આપવામાં આવી ન હોવાનો અહેવાલ સામે આવ્યો છે.

લાંબા સમય સુધી ટ્રેક્ટર પરત ન મળતાં ચાલક નારાજ થયો હતો અને તેણે આત્મવિલોપનની ધમકી આપી હતી. આખરે ગત 19 ઓક્ટોબરના રોજ ચાલક મનપા કચેરીમાંથી પોતાનું ટ્રેક્ટર હંકારીને લઈ ગયો હતો.

હવે જિલ્લા કલેક્ટરના કડક આદેશ બાદ આ સમગ્ર મામલે મનપા તંત્ર શું કાર્યવાહી કરે છે અને જવાબદાર સામે ક્યારે પોલીસ ફરિયાદ નોંધાય છે તેના પર સૌની નજર ટકેલી છે. એક તરફ પર્યાવરણને મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ બે મહિના સુધી કાર્યવાહી ન થવાના કારણે મનપાની કામગીરી પણ ચર્ચામાં આવી છે.