4 વર્ષના બાળકને પ્લે-સ્કૂલમાં મોકલવું કે નર્સરીમાં? જાણો શાળામાં પ્રવેશ પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી

4 વર્ષના બાળકને પ્લે-સ્કૂલમાં મોકલવું કે નર્સરીમાં? જાણો શાળામાં પ્રવેશ પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી

બાળકના શિક્ષણની શરૂઆત તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે. સામાન્ય રીતે 4 વર્ષની ઉંમરે બાળકોને શાળામાં દાખલ કરવાનો સમય આવે છે. આ ઉંમરે બાળકમાં નવી વસ્તુઓ શીખવાની જિજ્ઞાસા, અન્ય બાળકો સાથે રમવાની ઇચ્છા અને પોતાની નાની-નાની જરૂરિયાતો વ્યક્ત કરવાની ક્ષમતા વિકસવા લાગે છે. જોકે, શાળામાં પ્રવેશ આપતી વખતે માત્ર ઉંમર નહીં, પરંતુ બાળકનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પણ ધ્યાનમાં લેવો જરૂરી છે.

પ્લે-સ્કૂલ, પ્રી-સ્કૂલ અને નર્સરી વચ્ચેનો તફાવત

ઘણા માતા-પિતા પ્લે-સ્કૂલ, પ્રી-સ્કૂલ અને નર્સરીને એકસરખા માને છે, પરંતુ ત્રણેયની શીખવવાની પદ્ધતિ અને હેતુમાં થોડો તફાવત છે.

પ્લે-સ્કૂલ: સામાન્ય રીતે 2થી 3 વર્ષનાં બાળકો માટે હોય છે. અહીં ગીતો, રમતો, વાર્તાઓ અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને ઘરથી બહારના વાતાવરણમાં રહેવાની ટેવ પાડવામાં આવે છે.

પ્રી-સ્કૂલ: પ્રારંભિક શિક્ષણ માટેનો વ્યાપક શબ્દ છે. તેમાં સામાન્ય રીતે 3થી 6 વર્ષનાં બાળકોને તેમની ઉંમર અને વિકાસ પ્રમાણે ભાષા, રંગો, આકારો, ગણતરી અને સામાજિક વ્યવહાર શીખવવામાં આવે છે.

નર્સરી: પ્રી-સ્કૂલના પ્રારંભિક વર્ગ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે 3થી 4 વર્ષનાં બાળકોને અક્ષરો, અંકો અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આગળના શિક્ષણ માટે તૈયાર કરવામાં આવે છે.

દરેક શાળામાં આ વર્ગોનાં નામ અને પ્રવેશ માટેની ઉંમર અલગ હોઈ શકે છે. તેથી પ્રવેશ પહેલાં શાળાના નિયમો અને અભ્યાસક્રમની માહિતી મેળવવી જરૂરી છે.

બાળક શાળાએ જવા માટે તૈયાર હોવાના સંકેતો

માત્ર 4 વર્ષની ઉંમર થઈ જવાથી બાળક શાળાએ જવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે એવું માનવું યોગ્ય નથી. બાળકની કેટલીક સામાન્ય આદતો અને વર્તન પરથી તેની તૈયારીનો અંદાજ લગાવી શકાય છે.

  • બાળક પોતાની જરૂરિયાતો જેમ કે ભૂખ, તરસ કે ટોયલેટ જવાની વાત જણાવી શકે છે.

  • પોતાનું નામ અને માતા-પિતાને ઓળખી શકે છે.

  • અન્ય બાળકો સાથે રમવામાં રસ દાખવે છે.

  • થોડો સમય માતા-પિતાથી દૂર રહી શકે છે.

  • પોતાની ઉંમર પ્રમાણે સરળ સૂચનાઓ સમજી શકે છે.

  • ખાવા-પીવા અને હાથ ધોવા જેવી સામાન્ય બાબતોમાં સ્વતંત્ર બનવાનો પ્રયાસ કરે છે.

આ બધી બાબતો આવડવી ફરજિયાત નથી. ઘણી કુશળતાઓ શાળાના વાતાવરણમાં પણ ધીમે-ધીમે વિકસે છે.

શાળામાં પ્રવેશ પહેલાં ઘરે કરાવો આ તૈયારી

બાળક પહેલીવાર શાળાએ જાય ત્યારે તેને નવું વાતાવરણ, અજાણ્યા લોકો અને બદલાયેલી દિનચર્યાનો અનુભવ થાય છે. તેથી માતા-પિતા ઘરે જ કેટલીક સારી આદતો વિકસાવી શકે છે.

  • સૂવા, જાગવા અને જમવાનો સમય ધીમે-ધીમે નક્કી કરો.

  • બાળકને પોતાનું નામ અને માતા-પિતાનું નામ જણાવતા શીખવો.

  • પોતાના હાથે જમવાની અને પાણી પીવાની ટેવ પાડો.

  • જમતાં પહેલાં અને ટોયલેટ પછી હાથ ધોવાનું શીખવો.

  • કોઈ મુશ્કેલી હોય ત્યારે શિક્ષક કે અન્ય વ્યક્તિ પાસે મદદ માગતા શીખવો.

  • વિશ્વાસપાત્ર પરિવારજનો સાથે થોડો સમય વિતાવવાની ટેવ પાડો.

આ બાબતો શીખવતી વખતે બાળક પર દબાણ કરવાને બદલે રમત-રમતમાં તેને પ્રોત્સાહિત કરો.

બાળક માટે યોગ્ય શાળાની પસંદગી

ચાર વર્ષના બાળક માટે શાળા પસંદ કરતી વખતે માત્ર અભ્યાસ કે શાળાની પ્રતિષ્ઠા જોવી પૂરતી નથી. ત્યાં બાળકોને કેવું વાતાવરણ મળે છે તે પણ એટલું જ મહત્ત્વનું છે.

શાળામાં રમતગમત, વાર્તાઓ, ચિત્રકામ, ગીતો અને સામૂહિક પ્રવૃત્તિઓને પૂરતું મહત્ત્વ મળવું જોઈએ. શિક્ષકો બાળકો સાથે કેવો વ્યવહાર કરે છે અને દરેક બાળકને પોતાની ગતિએ શીખવાની તક મળે છે કે નહીં તે તપાસવું જરૂરી છે.

પ્રવેશ પહેલાં બાળકને શાળાની મુલાકાત કરાવો અને શિક્ષકો સાથે વાત કરીને દિનચર્યા, સુરક્ષા તથા બાળકોની સંભાળ વિશે માહિતી મેળવો.

બાળકને શાળાના વાતાવરણથી પરિચિત બનાવવાની રીતો

બાળકને અચાનક શાળાએ મોકલવાને બદલે ધીમે-ધીમે નવા વાતાવરણ માટે તૈયાર કરવું જોઈએ.

  • શાળાને લગતી મજેદાર વાર્તાઓ સંભળાવો.

  • કાર્ટૂન અને વાર્તાઓ દ્વારા શાળાના સારા અનુભવો સમજાવો.

  • રમકડાંની મદદથી ઘરે શાળા-શાળા રમો.

  • બાળકને નવા મિત્રો બનાવવા અને સામૂહિક રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરો.

  • શાળાની મુલાકાત કરાવી ત્યાંના વર્ગખંડ અને રમતગમતનાં સ્થળો બતાવો.

આવી પ્રવૃત્તિઓથી બાળકના મનમાં શાળાને લઈને ડર ઓછો થાય છે અને ઉત્સુકતા વધે છે.

બાળક શાળાએ જવાની ના પાડે તો શું કરવું?

શરૂઆતમાં ઘણા બાળકો શાળાએ જવા માટે આનાકાની કરે છે. માતા-પિતાથી દૂર રહેવું અને નવા લોકો વચ્ચે જવું તેમના માટે પડકારરૂપ બની શકે છે. આવી સ્થિતિમાં બાળકને ઠપકો આપવો કે બળજબરી કરવી યોગ્ય નથી.

તેની સાથે પ્રેમથી વાત કરો અને શાળાએ જવામાં શું મુશ્કેલી પડે છે તે સમજવાનો પ્રયાસ કરો. શાળામાં નવા મિત્રો બનશે, વાર્તાઓ સાંભળવા મળશે અને રમવાની મજા આવશે તે રીતે તેને સમજાવો.

બાળકને વિશ્વાસ અપાવો કે તમે તેને શાળાએ મૂક્યા પછી પાછા લેવા ચોક્કસ આવશો. તેની સરખામણી અન્ય બાળકો સાથે કરવાનું ટાળો અને શાળામાં જવાના નાના પ્રયાસો માટે પણ તેની પ્રશંસા કરો.

ક્યારે લેવી નિષ્ણાતની સલાહ?

જો બાળક લાંબા સમય સુધી શાળાએ જવાના નામે ખૂબ જ ડરતું હોય, તેની ઊંઘ કે ખાવા-પીવાની આદતોમાં ફેરફાર જોવા મળે, અન્ય બાળકો સાથે હળવા-મળવાનું ટાળે અથવા વારંવાર શાળાએ જવાના સમયે શારીરિક તકલીફની ફરિયાદ કરે, તો ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટની સલાહ લેવી યોગ્ય છે.

બાળકના શિક્ષણમાં શરૂઆતનો અનુભવ મહત્ત્વનો

બાળકને શાળામાં દાખલ કરવાનો નિર્ણય માત્ર ઉંમર કે પરિવારજનોની સલાહના આધારે ન લેવો જોઈએ. બાળકનો સ્વભાવ, વિકાસ, રસ અને શીખવાની ગતિને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરવો જરૂરી છે.

શાળાનો પ્રથમ અનુભવ બાળક માટે આનંદદાયક અને સુરક્ષિત હોવો જોઈએ. બાળપણમાં શિક્ષણનો હેતુ માત્ર અક્ષરો અને આંકડા શીખવવાનો નથી, પરંતુ બાળકમાં આત્મવિશ્વાસ, સામાજિક સમજણ અને નવી વસ્તુઓ શીખવાની જિજ્ઞાસા વિકસાવવાનો પણ છે.

માતા-પિતાનો સાથ, ધીરજ અને પ્રોત્સાહન બાળકને નવા વાતાવરણમાં સહજ થવામાં અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં મદદ કરે છે.