સામાન્ય રીતે લોકો લગ્ન, પ્રવાસ અને અન્ય ખાસ પ્રસંગોનું અગાઉથી આયોજન કરતા હોય છે, પરંતુ હવે પોતાના અંતિમ સંસ્કારનું પણ જીવતેજીવ આયોજન કરી શકાશે. દિલ્હીના 'મોક્ષ વોયેજ' નામના સ્ટાર્ટઅપે અંતિમ સંસ્કાર અને ત્યારબાદની ધાર્મિક વિધિઓના પ્રી-બુકિંગની સુવિધા શરૂ કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)માં સ્ટોલ લગાવ્યા બાદ આ સ્ટાર્ટઅપ લોકોના ધ્યાન પર આવ્યું છે. નમો ગંગે વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ સેવા અંતિમ સંસ્કારથી લઈને અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ સહિતની વિવિધ ધાર્મિક વિધિઓની વ્યવસ્થા પૂરી પાડે છે. વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતા, પરંપરા અને પસંદગી પ્રમાણે જીવતેજીવ આ સેવાઓનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 300થી વધુ લોકો આ સેવા માટે નોંધણી કરાવી ચૂક્યા છે.
આ સેવાનો મુખ્ય હેતુ પરિવારના સભ્યના નિધન બાદ સ્વજનોને થતી દોડધામ અને વ્યવસ્થાઓની મુશ્કેલી ઓછી કરવાનો છે. ખાસ કરીને એકલવાયું જીવન જીવતા લોકો, વિદેશમાં રહેતા પરિવારો અને શહેરોમાં બદલાતી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. વિદેશમાં નિધન થાય ત્યારે પાર્થિવ દેહને ભારત લાવવા માટે પણ સહાય આપવામાં આવે છે.
₹6 હજારથી શરૂ થાય છે પેકેજ
મોક્ષ વોયેજના પેકેજ આશરે ₹6,000થી શરૂ થઈને ₹1.5 લાખ સુધીના છે. તેમાં અંતિમ સંસ્કાર માટે પંડિત, પૂજન સામગ્રી, અંતિમ યાત્રા માટે વાહન અને જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા સામેલ છે. આ ઉપરાંત અસ્થિ સંચયન, અસ્થિ વિસર્જન, દસમા-તેરમાની વિધિ, બ્રાહ્મણ ભોજન અને હરિદ્વાર જેવા તીર્થસ્થળોની યાત્રા માટે પણ અલગ-અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
નિઃશુલ્ક અંતિમ સંસ્કારની પણ વ્યવસ્થા
સ્ટાર્ટઅપ દ્વારા એમ્બ્યુલન્સ, શબવાહિની, મોર્ચ્યુરી અને ફ્રીઝર બોક્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ આપવામાં આવે છે. સાથે જ આર્થિક રીતે નબળા અને બિનવારસી વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે 'મોક્ષ સેવા' અંતર્ગત નિઃશુલ્ક મદદ કરવાની જોગવાઈ પણ છે.
જોકે, આ અનોખા બિઝનેસ મોડેલને લઈને લોકોમાં અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તેને મુશ્કેલ સમયમાં પરિવારને મોટી રાહત આપતી વ્યવસ્થા ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો મૃત્યુ અને ધાર્મિક વિધિઓને વ્યવસાય સાથે જોડવા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આમ, અંતિમ સંસ્કારના પ્રી-પ્લાનિંગનો આ વિચાર નવી ચર્ચા જગાવી રહ્યો છે.