ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં કોળી સમાજના અગ્રણી અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહીર સહિત છ આરોપીઓને મહુવા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. 14 દિવસના જેલવાસ બાદ જયરાજ આહીરની જેલમુક્તિ થઈ છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે.
જેલમાંથી બહાર આવતા જ જયરાજ આહીરના હાથમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ જોવા મળી હતી. તેમના સમર્થકોના જયઘોષ વચ્ચે તેઓ જેલની બહાર આવ્યા હતા અને બાદમાં કારમાં બેસીને રવાના થયા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
આ કેસમાં જયરાજ આહીર ઉપરાંત નાજુ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ સોલંકી અને અજય ઉર્ફે મોટો ભાલિયાએ મહુવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તમામ છ આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા હતા. જામીનની શરતો મુજબ આરોપીઓને મહુવા પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી આપવી પડશે અને તપાસમાં સહકાર આપવો પડશે. નોંધનીય છે કે આ કેસમાં કુલ 14 આરોપીઓ છે, જેમાંથી 8ને અગાઉ જામીન મળી ચૂક્યા છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામ અંગેના વિવાદથી થઈ હતી. ફરિયાદી નવનીત બાલધિયાના જણાવ્યા મુજબ, એક કાર્યક્રમમાં થયેલા વિવાદ બાદ 29 ડિસેમ્બર, 2025ના રોજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓ કોઈ વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાત કરતા હતા તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી છે.
પોલીસે મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી છે. 19 જાન્યુઆરીએ નવનીત બાલધિયાનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ 21 જાન્યુઆરીએ જયરાજ આહીરની પૂછપરછ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આરોપીઓને જામીન મળ્યા છે, પરંતુ કેસની તપાસ હજુ ચાલુ છે.
આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોએ જામીનના નિર્ણયનો વિરોધ કર્યો છે અને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. આ કેસને કારણે બગદાણા અને મહુવા વિસ્તારમાં સામાજિક અને જ્ઞાતિગત તણાવ વધ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.