Advertisement

હોલિકા દહન સમયે કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો 5 મહત્ત્વના નિયમ

હોલિકા દહન સમયે કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો 5 મહત્ત્વના નિયમ

હિન્દુ ધર્મમાં હોલિકા દહનને અત્યંત શુભ અને પાવન માનવામાં આવે છે. આ પર્વ સત્ય પર અસત્યની જીતનું પ્રતિક છે અને આ દિવસથી જ રંગોના તહેવાર હોળીની શરૂઆત થાય છે. પરિવારો એકત્રિત થઈ હોલિકા માતાની પૂજા કરે છે અને શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરીને સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાની પ્રાર્થના કરે છે. માન્યતા છે કે વિધિ-વિધાનપૂર્વક કરાયેલ હોલિકા દહન જીવનમાં નકારાત્મકતા દૂર કરી કલ્યાણ લાવે છે.


હોલિકા દહનના મહત્વના નિયમો


1. પ્રદક્ષિણા અને અર્પણનું મહત્ત્વ

હોલિકા દહન પહેલા કાચા દોરા અથવા કલાવા લઈને 5થી 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ જવ અથવા ચોખા અગ્નિમાં અર્પણ કરવું. નવી લણણીને અગ્નિમાં શેકીને તેને પ્રસાદરૂપે ઘરે લાવી પરિવાર સાથે વહેંચવું શુભ માનવામાં આવે છે.


2. વસ્ત્રો અંગે ખાસ ધ્યાન

આ દિવસે સફેદ, પીળા અથવા લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે. કાળા અથવા ચામડાના કપડાં ટાળવા જોઈએ. સ્ત્રીઓએ અતિ ચમકીલા અથવા ઘાટા રંગના વસ્ત્રો પહેરવા ટાળવા.


3. અગ્નિ પાસે થોડો સમય રોકાવું

હોલિકા દહન કર્યા બાદ તરત જ પાછા ન ફરવું. અગ્નિની પ્રદક્ષિણા કરીને થોડો સમય ત્યાં રોકાવું શુભ ગણાય છે. બીજા દિવસે હોલિકાની રાખ ઘરે લાવી તિલક લગાવવું અને ઘરમાં છાંટવું શુભ માનવામાં આવે છે, જેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.


4. તામસિક વસ્તુઓથી દૂર રહો

આ દિવસે માંસાહાર અને દારૂનું સેવન ન કરવું. સાત્વિક ભોજન લેવાથી ઘરમાં સકારાત્મકતા અને આરોગ્ય બંને જળવાઈ રહે છે.


5. મહિલાઓ માટે ખાસ સૂચના

પૂજા દરમિયાન મહિલાઓએ વાળ ખુલ્લા ન રાખવા. માન્યતા મુજબ ખુલ્લા વાળ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે, તેથી વાળ બાંધીને પૂજા કરવી શુભ માનવામાં આવે છે.


હોલિકા દહન 2026નું શુભ મુહૂર્ત અને ભદ્રા કાળ

દ્રિક પંચાંગ મુજબ આ વર્ષે હોલિકા દહન 2 માર્ચ 2026ની રાત્રે કરવામાં આવશે. શુભ મુહૂર્ત સાંજે 6:22 થી 8:50 વાગ્યા સુધી રહેશે.

સાંજે 5:55 વાગ્યાથી ભદ્રા કાળ શરૂ થઈ 3 માર્ચ સવારે 4:28 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ આ વખતે ભદ્રાનો પ્રભાવ પૃથ્વી લોક પર રહેશે, તેથી પ્રદોષ કાળ દરમિયાન હોલિકા દહન કરવું વધુ શુભ માનવામાં આવ્યું છે. આ સમય દરમિયાન દાન-પૂણ્ય કરવાથી વિશેષ લાભ મળે છે.

Advertisement