ડાકોર : યાત્રાધામ ડાકોરમાં બિરાજતા રાજા રણછોડરાયના દર્શન માટે હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પદયાત્રા સંઘો ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેના કારણે ડાકોર તરફ જતા તમામ માર્ગો ભક્તિમય બન્યા છે. ગાયન-નૃત્ય અને ઢોલ-નગારાના તાલે ભક્તો રણછોડરાયની ભક્તિમાં લીન થઈ આગળ વધી રહ્યા છે. ચંદ્રગ્રહણને કારણે આજે બપોરે ૨ વાગ્યે દર્શન બંધ કરવામાં આવ્યા હતા, જે હવે બુધવારે સવારે ૬:૪૫ વાગ્યે ફરી શરૂ થશે.
અમદાવાદથી નીકળેલો મૂત કલાકારોનો વિશેષ સંઘ હાલ ડાકોરની નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૧૩ વર્ષથી આ સંઘ સતત પદયાત્રા કરે છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. સંઘ સાથે ભવ્ય રથ રાખવામાં આવ્યો છે, જેમાં ભગવાન કૃષ્ણની આકર્ષક પ્રતિમા બિરાજમાન છે. ભક્તો લાલજીની મૂત માથે પધરાવી શ્રદ્ધાભાવે પદયાત્રા કરી રહ્યા છે. સંઘમાં મહિલાઓ અને યુવતીઓમાં કૃષ્ણભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ ગુલાબી અને પુરૂષો સફેદ ગણવેશમાં સજ્જ હોવાથી સમગ્ર સમૂહ માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કુલ ૧૨૧ ભક્તોનો આ સંઘ ધજા લઈને નાચતા-ગાતા ડાકોર તરફ આગળ વધી રહ્યો છે.
ડાકોરના તમામ પ્રવેશ માર્ગો પર પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા દર્શનાર્થીઓને સુવિધા મળે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સોમવારે વહેલી સવારે મંગળા આરતી દરમિયાન આળબંધોમાંથી પસાર થતાં ભક્તોને ઠાકોરજી સુધી પહોંચતા બે-ત્રણ કલાક લાગતા હતા. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
જોકે આ વર્ષે અમદાવાદથી પગપાળા આવતા પદયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે પાંચ લાખથી વધુ ભક્તો અમદાવાદથી ડાકોર પહોંચ્યા હતા, જ્યારે આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓને કારણે સંખ્યા અંદાજે બે લાખ જેટલી ઓછી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સોમવારે રાત્રે બે વાગ્યે મંગળા આરતીમાં વડોદરા, સુરત, અમદાવાદ, આણંદ, નડિયાદ અને બોમ્બેથી નિયમિત પૂનમ ભરવા આવતા ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. આગામી દિવસોમાં પણ ભક્તોની સંખ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.