ગુજરાતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફરી ખળભળાટ!
એક ધમકીભર્યા ઈમેલે ગુજરાતની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે.
અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે ગંભીર ધમકી આપતાં સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપની સેન્ટ્રલ ઓફિસ, પોલીસકર્મીઓ અને RAWને નિશાન બનાવવાનો ઉલ્લેખ કર્યો છે.
ઈમેલમાં અલગ-અલગ સ્થળોએ અગાઉથી જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ધમકીભર્યા ઈમેલની શરૂઆત અને અંતમાં ‘અલ્લાહુ અકબર’ લખવામાં આવ્યું છે. જ્યારે ઈમેલમાં ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’, ‘ભાજપ મુર્દાબાદ’, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા પણ લખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઈમેલ સૌપ્રથમ પંજાબ પોલીસને મળ્યો હતો, ત્યારબાદ પંજાબના DGP દ્વારા ગુજરાત પોલીસને તેની જાણ કરવામાં આવી.
ઈમેલની જાણ થતાં જ અમદાવાદ પોલીસ હરકતમાં આવી ગઈ. ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલયમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરાયું. પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવી.
અમદાવાદ શહેર પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
પરંતુ આ ધમકીને હળવાશથી લેવામાં આવી નથી. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈમેલ કોણે મોકલ્યો, તેનો સ્ત્રોત શું છે અને ધમકી પાછળનો હેતુ શું છે તે અંગે તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે આ પહેલા 10 સપ્ટેમ્બરે પણ વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદાવાદની એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
એક પછી એક મળતી આવી ધમકીઓ વચ્ચે હવે સવાલ એ છે કે આ માત્ર અફવા છે કે પછી કોઈ મોટી સાજિશનો પ્રયાસ?
હાલ સુરક્ષા એજન્સીઓની તપાસ પર સૌની નજર છે.