એક પુલ તૂટ્યો… તો હજારો લોકોનો રસ્તો બદલાઈ ગયો હતો. હવે એ જ રસ્તા પર ફરી દોડશે વાહનો!

એક પુલ તૂટ્યો… તો હજારો લોકોનો રસ્તો બદલાઈ ગયો હતો.  હવે એ જ રસ્તા પર ફરી દોડશે વાહનો!

એક પુલ તૂટ્યો… તો હજારો લોકોનો રસ્તો બદલાઈ ગયો હતો.

હવે એ જ રસ્તા પર ફરી દોડશે વાહનો!


વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ આખરે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.


ખાસ વાત એ છે કે મહી નદી પર 858.75 મીટર લાંબો અને 23 કમાન ધરાવતો આ નવો બ્રિજ અંદાજે એક જ વર્ષમાં તૈયાર કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા પ્રમાણે આટલી લંબાઈનો બ્રિજ આટલા ટૂંકા સમયમાં પૂર્ણ થવો નોંધપાત્ર બાબત છે.


ગત વર્ષે 9 જુલાઈએ ગંભીરા બ્રિજને નુકસાન થતાં વડોદરા-આણંદ વચ્ચેનો આ મહત્વનો માર્ગ પ્રભાવિત થયો હતો. પરિણામે આંકલાવ, બોરસદ અને ખંભાત સહિતના વિસ્તારોમાંથી વડોદરા તરફ નોકરી, અભ્યાસ, વેપાર કે અન્ય કામ માટે જતા લોકોને લાંબો ફેરો કરવો પડતો હતો.


નવા બ્રિજ માટે રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપી હતી અને હવે બ્રિજ તૈયાર થતાં ફરી બંને જિલ્લાઓ વચ્ચે સીધી કનેક્ટિવિટી સ્થાપિત થઈ છે.


સૌથી મોટો ફાયદો વાહનચાલકોને થશે.

નવા બ્રિજના કારણે આશરે 70 કિલોમીટરનો વધારાનો ફેરો ઘટશે, જેના પરિણામે મુસાફરોનો બે કલાકથી વધુ સમય અને પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બચી શકે છે.


સાથે જ ગંભીરા બ્રિજ શરૂ થતાં સિંધરોટ અને વાસદ હાઈવે પરનો ટ્રાફિકનો ભાર પણ ઘટવાની શક્યતા છે.


આ બ્રિજ માત્ર રસ્તો નથી…

વડોદરા અને આણંદ વચ્ચે નોકરી, શિક્ષણ, વેપાર અને રોજિંદા જીવનને ફરી સીધું જોડતી મહત્વની કડી છે.


વર્ષભરની મુશ્કેલી બાદ હવે ગંભીરા બ્રિજ પર ફરી વાહનો દોડતા થતાં સ્થાનિકોમાં પણ રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.