ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સેવાઓને અસર પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે! 🚨
લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં હવે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે.
મહામંડળનો દાવો છે કે સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવેલા 7 દિવસના અલ્ટિમેટમ બાદ પણ કોઈ હકારાત્મક નિર્ણય લીધો નથી, જેના કારણે હવે તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રામસેવકોનો મુખ્ય આક્ષેપ છે કે તેમના પોતાના જોબચાર્ટ સિવાયની કામગીરીનો ભાર પણ તેમના પર વધારવામાં આવી રહ્યો છે.
તેમના જણાવ્યા મુજબ રેવન્યુ તલાટી, પંચાયત તલાટી-કમ-મંત્રી અને ખેતી મદદનીશની કામગીરી પણ ગ્રામસેવકો પાસે કરાવવામાં આવી રહી છે.
જેમાં પાક કાપણી અખતરા, PM-Kisan eKYC, ડિજિટલ ક્રોપ સર્વે અને ફાર્મર રજિસ્ટ્રી જેવી મહત્વપૂર્ણ કામગીરીનો સમાવેશ થાય છે.
ગ્રામસેવક મહામંડળનું કહેવું છે કે રાજ્યમાં હાલ સરેરાશ 8થી 10 ગામો માટે માત્ર એક ગ્રામસેવક કાર્યરત છે, જેના કારણે એક જ કર્મચારી પર અનેક ગામોની જવાબદારી આવી પડે છે અને કામનું ભારણ સતત વધી રહ્યું છે.
આ ઉપરાંત ઓનલાઈન કામગીરી કરવા માટે જરૂરી કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જેવી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનો પણ ગ્રામસેવકોનો આક્ષેપ છે.
મહામંડળે CETA અને ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો, 4200 ગ્રેડ-પે અને પ્રમોશન સહિતના વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલની પણ માંગ કરી છે.
હવે પ્રશ્ન એ છે કે...
જ્યારે એક ગ્રામસેવકના ખભા પર 8થી 10 ગામોની જવાબદારી હોય, ત્યારે વધારાની કામગીરીનો બોજ કેવી રીતે સંભાળવો?
ગ્રામસેવક મહામંડળે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આંદોલનના કારણે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રની સેવાઓ અથવા ખેડૂતલક્ષી કામગીરીમાં કોઈ અવરોધ સર્જાશે તો તેની જવાબદારી સરકાર અને સંબંધિત વહીવટી તંત્રની રહેશે.
હવે સરકાર આ આંદોલન પહેલા ગ્રામસેવકોની માંગણીઓનો ઉકેલ લાવે છે કે પછી રાજ્યવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બને છે... તેના પર સૌની નજર રહેશે.