Advertisement

ગુજરાતમાં ઉનાળાની આકરા ગરમીનો પ્રકોપ: રાજકોટ 41.7° સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર, કચ્છમાં હીટવેવનું યેલો એલર્ટ

ગુજરાતમાં ઉનાળાની આકરા ગરમીનો પ્રકોપ: રાજકોટ 41.7° સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર, કચ્છમાં હીટવેવનું યેલો એલર્ટ


ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરા તાપનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે અને કચ્છ સહિતના વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગરમ અને સુકા પવનોને કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. તબીબો દ્વારા લોકોને ખાસ કરીને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પૂરતું પાણી અને પ્રવાહી પીવા તથા તડકાથી બચવા સલાહ આપવામાં આવી છે.


આજે 13 એપ્રિલે રાજકોટમાં ગરમીનો તાપ સૌથી વધુ રહ્યો હતો. રાજકોટમાં તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ભારે ગરમીને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરતા હતા.


રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ભુજ અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.


હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમ તરફથી ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રી સુધી વધારો થઈ શકે છે. આગામી ચારથી પાંચ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

Advertisement