Advertisement

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી: 3 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી: 3 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ફરી કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ આ બદલાવને કારણે રાજ્યમાં તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીથી લોકોને થોડોક રાહત મળશે. જોકે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની પણ શક્યતા હોવાથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આગામી દિવસોની આગાહી

29 માર્ચ: કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

30 માર્ચ: બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે.


31 માર્ચ: ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.


ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ભર ઉનાળાની ઋતુમાં માવઠાની આગાહી થતાં ખેડૂતોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાક ઉભા હોવાથી અચાનક બદલાતા વાતાવરણ, તેજ પવન અને વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement