ગાંધીનગર: સમગ્ર ગુજરાત હાલ ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં આવી ગયું છે. રવિવારે રાજ્યના તાપમાનમાં જોરદાર વધારો થતાં સૌરાષ્ટ્રના સાત શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. રાજ્યમાં સતત બીજા દિવસે પણ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી અને અમરેલીમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન વ્યાકુળ બન્યું છે. આ ભીષણ ગરમી વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને વરસાદને લઈને એક રાહતના સમાચાર આપતી મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં આવતીકાલથી એટલે કે 19 મેથી લઈને 24 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની પ્રબળ શક્યતાઓ છે. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી દિવસોમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી ચોક્કસપણે રાહત મળશે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે ઉકળાટ અને બફારાની અસર યથાવત વર્તાશે. જો કે, મે મહિનાના અંત સુધીમાં ગરમીનું જોર ઘટતા લોકોને મોટી રાહત મળશે.
ચોમાસાના આગમનની વિગતો આપતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે, આગામી 23 મે સુધી આંદામાન નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ પડશે, જે બાદ 24 મેની આસપાસ ચોમાસું કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. બીજી તરફ, હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડા જાહેર કર્યા છે, જેમાં ભુજમાં 42.6, જુનાગઢમાં 42.3, કંડલા એરપોર્ટ પર 42 અને ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદ-મહુવામાં 39, દીવમાં 37.5 અને પોરબંદરમાં 35.4 ડિગ્રી પારો રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારા અને અકળામણ આપતી 'હોટ એન્ડ હ્યુમિડ' (ગરમ અને ભેજવાળું) હવામાન રહેવાની ખાસ ચેતવણી પણ આપવામાં આવી છે.