ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર દિગ્દર્શક કર્તવ્ય શાહ હવે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 'ધુમ્મસ' અને 'ત્રેપ્પનમું પાનું' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યા બાદ તેઓ હવે 'દેવી વિજ્ઞાનમ' લઈને આવી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક શ્રદ્ધા, વિજ્ઞાન, રહસ્ય અને રોમાંચને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે.
ફિલ્મમાં 'રેવા' ફેમ ચેતન ધાનાણી અને 'ચટણી' ફેમ પૂજા જોશી મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ઉપરાંત જાણીતા અભિનેતા ટીકુ તલસાણિયા અને કે. આર્યવર્ધન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા બે અલગ-અલગ વિચારધારા ધરાવતા પતિ-પત્નીના જીવનમાં સર્જાતી ઘટનાઓની આસપાસ ફરે છે.
એક તરફ વિજ્ઞાનમાં વિશ્વાસ, બીજી તરફ દેવી પ્રત્યે અતૂટ શ્રદ્ધા
ટ્રેલરની શરૂઆત ચેતન ધાનાણીના પાત્રથી થાય છે, જે વ્યવસાયે શિક્ષક છે અને વિજ્ઞાન તથા શિક્ષણને જીવનમાં સૌથી વધુ મહત્વ આપે છે. તેના માટે તર્ક અને જ્ઞાન જ સર્વોપરી છે. જ્યારે તેની પત્નીનું પાત્ર ભજવતી પૂજા જોશી ભગવાન અને દેવી-દેવતાઓમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.
ટીકુ તલસાણિયા ફિલ્મમાં ચેતનના પિતાની ભૂમિકામાં છે. તેઓ મૂર્તિકાર છે અને ઈશ્વરને પોતાના જીવનનું સર્વસ્વ માને છે. આમ, એક જ પરિવારની અંદર આસ્થા અને વિજ્ઞાન વચ્ચેના વિચારોનો સંઘર્ષ જોવા મળે છે.
સંતાનપ્રાપ્તિની આશા અને કરણી માતાના મંદિરની માન્યતા
ફિલ્મની વાર્તામાં ચેતન અને પૂજાનું પાત્ર નિઃસંતાન છે. સમાજ તરફથી મળતા ટોણા અને વારંવારના પ્રશ્નોને કારણે પૂજા માનસિક રીતે પરેશાન રહે છે. આ દરમિયાન એક મહિલા તેને દેવપ્રયાગના પહાડ પર આવેલા કરણી માતાના મંદિર વિશે જણાવે છે અને માતાની મહિમાની વાત કરે છે.
મેડિકલ સાયન્સ દ્વારા પણ સંતાનપ્રાપ્તિની આશા પૂર્ણ ન થતાં પૂજાની શ્રદ્ધા કરણી માતા તરફ વળે છે. તે પોતાના પતિને મંદિર જઈને બાધા રાખવા માટે સમજાવે છે. જોકે, વિજ્ઞાનમાં અતૂટ વિશ્વાસ ધરાવતો તેનો પતિ આ વાત સ્વીકારવા તૈયાર થતો નથી. આ બાબત બંને વચ્ચે મતભેદ ઊભા કરે છે.
મંદિરની જમીન માટે વિવાદ, વિલનની એન્ટ્રીથી વાર્તામાં ટ્વિસ્ટ
વાર્તામાં કે. આર્યવર્ધનના પાત્રની એન્ટ્રી સાથે નવો વળાંક આવે છે. તેનું પાત્ર સત્તા અને સંપત્તિને જ સૌથી વધુ મહત્વ આપે છે. કરણી માતાના મંદિરની જમીનને લઈને કાયદાકીય લડાઈ શરૂ થાય છે. આ વિવાદને ટીકુ તલસાણિયાનું પાત્ર ધર્મયુદ્ધ તરીકે જુએ છે.
આ દરમિયાન બનતી કેટલીક અણધારી ઘટનાઓ ચેતનના પાત્રના વિચારોને બદલી નાખે છે. અત્યાર સુધી વિજ્ઞાનને જ સર્વોપરી માનતો વ્યક્તિ ધીમે ધીમે આસ્થા અને શ્રદ્ધા તરફ આગળ વધે છે. ફિલ્મની વાર્તા આ પરિવર્તનને રહસ્ય અને રોમાંચ સાથે રજૂ કરે છે.
4 ડિસેમ્બરે થશે ફિલ્મ રિલીઝ
કિંગ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી 'દેવી વિજ્ઞાનમ'નું દિગ્દર્શન કર્તવ્ય શાહે કર્યું છે. ફિલ્મમાં ચેતન ધાનાણી, પૂજા જોશી અને ટીકુ તલસાણિયા ઉપરાંત મેહુલ બુચ, આલોક ઠાકર અને રચના પકઈ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
ગુજરાતી ફિલ્મોમાં પોતાની દિગ્દર્શકીય ઓળખ બનાવ્યા બાદ કર્તવ્ય શાહની આ હિન્દી ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. 'દેવી વિજ્ઞાનમ' 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.