Advertisement

ગુજરાત સ્થાપના દિવસ: ‘ગ્લોબલ ગ્રોથ એન્જિન’ તરીકે ઊભરતું સમર્થ ગુજરાત

ગુજરાત સ્થાપના દિવસ: ‘ગ્લોબલ ગ્રોથ એન્જિન’ તરીકે ઊભરતું સમર્થ ગુજરાત

૧ મે, ૧૯૬૦ના રોજ સ્થાપિત થયેલું ગુજરાત આજે દેશ અને વિશ્વના નકશા પર વિકાસના મોડેલ તરીકે ઓળખાઈ રહ્યું છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમ સાથે ગુજરાતે છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા જમીન ધરાવતું રાજ્ય આજે દેશની GDPમાં અંદાજે ૮.૩ ટકા યોગદાન આપી રહ્યું છે, જે તેની મજબૂત આર્થિક સ્થિતિનો પુરાવો છે.


રાજ્યની અર્થવ્યવસ્થા હવે આંકડાઓમાં બોલે છે. ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર રૂ. ૩ લાખને પાર પહોંચી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા લગભગ ૬૦ ટકા વધુ છે. છેલ્લા દાયકામાં રાજ્યનો સરેરાશ વિકાસ દર ૧૧.૪ ટકા રહ્યો છે, જે ભારતના સરેરાશ કરતા વધુ છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ૧૯ ટકા હિસ્સો અને કુલ નિકાસમાં ૨૬ ટકા યોગદાન રાજ્યની મેન્યુફેક્ચરિંગ અને વેપારી શક્તિ દર્શાવે છે.


સમુદ્રી વેપારમાં પણ ગુજરાતનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળે છે. ભારતના કુલ કાર્ગોમાંથી લગભગ ૪૦ ટકા કાર્ગો ગુજરાતના આધુનિક બંદરો દ્વારા હેન્ડલ થાય છે, જેના કારણે રાજ્ય વૈશ્વિક વેપાર માટે મહત્વનું ગેટવે બની ગયું છે. કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે, જ્યાં દેશના કેમિકલ ઉદ્યોગમાં રાજ્યનો ૩૩ ટકા હિસ્સો છે.


ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોની સાથે નવા યુગના ક્ષેત્રોમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. સેમીકન્ડક્ટર અને ફિનટેક જેવા આધુનિક ક્ષેત્રોમાં રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. ગિફ્ટ સિટી અને ધોલેરા સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સ ગુજરાતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી રહ્યા છે. સાથે જ, ઈ-ગ્રામ અને સેવા સેતુ જેવા અભિયાનોથી ટેકનોલોજી ગામડાં સુધી પહોંચાડી, નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


પર્યટન ક્ષેત્રે પણ ગુજરાત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ અને હેરિટેજ સિટી અમદાવાદ જેવા આકર્ષણો દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. સાથે જ સોમનાથ અને અંબાજી જેવા ધાર્મિક સ્થળોના વિકાસથી ધાર્મિક પર્યટનને પણ વેગ મળ્યો છે.


આગામી પ્રોજેક્ટ્સમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાજ્યના ભવિષ્યને નવી દિશા આપશે. આ પ્રોજેક્ટ્સથી ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધુ તેજી આવવાની સંભાવના છે.


ગુજરાતના ૬૬મા સ્થાપના દિવસે રાજ્ય ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. પારદર્શક વહીવટ, સશક્ત નીતિઓ અને ઉદ્યોગસાહસિકતાના બળ પર આજે ગુજરાત સાચા અર્થમાં ભારતનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે.

Advertisement