Advertisement

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: વિકાસના અભાવ અને આંતરિક કલહ વચ્ચે ભાજપ માટે પ્રચાર બન્યો લોઢાના ચણા, ઠેર-ઠેર ભારે વિરોધ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: વિકાસના અભાવ અને આંતરિક કલહ વચ્ચે ભાજપ માટે પ્રચાર બન્યો લોઢાના ચણા, ઠેર-ઠેર ભારે વિરોધ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, પરંતુ આ વખતે સત્તાધારી પક્ષ ભાજપ માટે જીતનો માર્ગ અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. એક તરફ ઉમેદવારોની પસંદગીને લઈને પાર્ટીમાં ભભૂકી ઉઠેલો આંતરિક કલહ અને બીજી તરફ પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતામાં વ્યાપેલો ભારે રોષ ભાજપની પ્રદેશ નેતાગીરીની ઊંઘ હરામ કરી રહ્યો છે. અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો પણ મુશ્કેલ બની ગયો છે અને ઠેર-ઠેર તેમને લોકોના હુરિયા અને રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.


ભાજપે ભલે પોલીસ અને સરકારી તંત્રની મદદથી ૭૦૦ બેઠકો બિનહરીફ મેળવી લીધાનો દાવો કર્યો હોય, પરંતુ ખરી કસોટી હવે શરૂ થઈ છે. આ વખતે ટિકિટ ફાળવણીમાં સગાવાદ અને જૂથવાદને પ્રાધાન્ય અપાતા અને પાયાના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના થતા પાર્ટીમાં આંતરિક અસંતોષની આગ ભભૂકી છે. ઉપરાંત, પંચાયતથી લઈને મહાનગરપાલિકાઓ સુધી શાસન હોવા છતાં પાણી, રોડ, ગટર અને સફાઈ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતા મળતાં મતદારોનો ગુસ્સો સાતમા આસમાને છે. અનેક વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોએ પ્રચાર અધૂરો મૂકીને ભાગવાનો વારો આવ્યો છે, તો કેટલીક સોસાયટીઓ બહાર "ભાજપવાળાએ મત માંગવા આવવું નહીં" તેવા બેનરો પણ લાગી ગયા છે.


જનતાનો આ રોષ માત્ર સામાન્ય ઉમેદવારો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ મંત્રીઓ અને ધારાસભ્યો પણ તેનો ભોગ બની રહ્યા છે. છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં ગ્રામજનોએ પ્રભારી મંત્રી મનીષા વકીલને ઘેરીને વણઉકેલાયેલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. દહેગામમાં પણ ભાજપના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની કાર રોકીને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયા અને શહેરી વિકાસ મંત્રીના વિસ્તાર અસારવામાં પણ સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને પ્રચાર કરતા અટકાવીને રોકડું પરખાવ્યું હતું કે, "કામ નથી કર્યા તો મત માંગવા કેમ નીકળી પડ્યા છો?" સુરતના ઉધના વિસ્તારમાં તો સ્થાનિકો અને ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યાં લોકોએ તેમને 'વોટની ભીખ માંગવા આવેલા ચોર' કહ્યા હતા.


બહારના વિરોધની સાથે સાથે ભાજપને અંદરથી પણ મોટો ફટકો પડી રહ્યો છે. અમદાવાદ શહેર ભાજપમાં મહિલા કાર્યકરોએ ટિકિટ વહેંચણીમાં પૈસાવાળા અને માનીતાઓને પ્રાધાન્ય અપાયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. અમરાઈવાડીમાં તો ધારાસભ્યએ ટિકિટનો 'વહીવટ' કરી દીધો હોવાના મેસેજ પણ વાયરલ થયા છે. જોકે, ચારેતરફથી ઘેરાવા છતાં અને આટલા મોટા વિરોધ વંટોળ વચ્ચે પણ ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'કમલમ'ને પોતાની જીત પર પૂરી શ્રદ્ધા છે. ભાજપ નેતાગીરી માની રહી છે કે ચૂંટણી સમયે આવો અસંતોષ સ્વાભાવિક છે અને તેમની પાસે એવી રાજકીય આવડત છે કે તમામ નારાજગીઓ વચ્ચે પણ અંતે EVM ભાજપના મતોથી જ છલકાશે. જોકે, ગ્રાઉન્ડ ઝીરો પરનો મતદારોનો મૂડ જોતા આ વખતનો ચૂંટણી જંગ ભાજપ માટે ધારેલો એટલો સરળ જણાતો નથી.

Advertisement