ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. અદાલતે સગીરાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સામાજિક અસરોને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવ્યો છે.
સગીરાની અરજી બાદ કોર્ટના આદેશથી હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ અનુકૂળ આવતા 17 માર્ચે ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે.
કોર્ટે ગર્ભપાત પ્રક્રિયા માટે સિનિયર ડોક્ટરોની વિશેષ પેનલ રચવા, સગીરાને જોખમ અંગે માહિતગાર કરવા અને જરૂરી તબીબી કાળજી રાખવા સૂચના આપી છે.
સાથે જ કોર્ટએ ગર્ભના DNA સેમ્પલ સુરક્ષિત રાખવા અને તપાસ અધિકારીને સોંપવા કહ્યું છે, જેથી કેસમાં પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે.
નોંધનીય છે કે આ મામલે ડિસેમ્બર 2025માં ડભોડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને સગીરાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટનો સંવેદનશીલ ચુકાદો: 16 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી