7 ડિસેમ્બરે વધુ સુનાવણી | OCI કાર્ડધારક ભારતીય નાગરિકો માટે જાહેર હિતની અરજી કરી શકે કે નહીં, તે અંગે રાજ્ય સરકારને કાયદાકીય આધાર રજૂ કરવા આદેશ
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં યુનાઇટેડ કિંગડમ (UK)ના OCI કાર્ડધારક દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) મામલે કોર્ટમાં મહત્વપૂર્ણ રજૂઆતો થઈ હતી. અરજદાર મૂળ ભારતીય હોવાનું અને તેમનો જન્મ ગુજરાતમાં થયો હોવાનું જણાવી ભારતમાં છેવાડાના લોકો, મહિલાઓ અને બાળકોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, અરજદાર ભારતીય નાગરિક ન હોવાથી તેઓ જાહેર હિતની અરજી દાખલ કરી શકે કે નહીં, તે મુદ્દે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.
અરજદારના ભારતમાં રહેવા અને નાગરિકતા અંગે કોર્ટના સવાલો
અરજદારે ચીફ જસ્ટિસની કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તેઓ મૂળ ભારતીય છે અને તેમના પિતા B.Sc. એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલા હતા. તેઓ ભારત આવીને રહે છે અને સમાજમાં થઈ રહેલા ફેરફારો તેમજ મહિલાઓ, બાળકો અને સમાજના નબળા વર્ગોની પરિસ્થિતિ અંગે ચિંતિત છે.
આ રજૂઆતના જવાબમાં કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે તેઓ યુનાઇટેડ કિંગડમના નાગરિક છે અને તેમના જણાવ્યા મુજબ ભારતમાં એક વર્ષ અને 15 દિવસ રહ્યા છે, તો આટલા સમયમાં તેમણે ભારતની પરિસ્થિતિ વિશે કેટલું જાણ્યું છે? કોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે ભારતીય નાગરિકતા ન ધરાવતા OCI કાર્ડધારકને ભારતમાં જાહેર હિતની અરજી દાખલ કરવાનો અધિકાર છે કે નહીં?
OCI કાર્ડધારકના અધિકારો અંગે રાજ્ય સરકારની રજૂઆત
સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે જણાવ્યું હતું કે OCI કાર્ડધારકોના અધિકારો મર્યાદિત છે. તેમના જણાવ્યા મુજબ, OCI કાર્ડના આધારે ભારતમાં રહેવાની મંજૂરી મળે છે, પરંતુ તેનાથી ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતી નથી.
કોર્ટે પણ અરજદાર ભારતીય મતદાર ન હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તેમના કાયદાકીય અધિકારો અંગે સવાલ કર્યો હતો. આ દરમિયાન કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે અન્ય દેશના નાગરિકો ભારતની આંતરિક બાબતોમાં દખલ કરી શકે કે નહીં, તે મુદ્દે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ થવી જરૂરી છે.
બીજી તરફ, અરજદારે દલીલ કરી હતી કે ભારતના નિર્બળ વર્ગોનો અવાજ બનવાથી તેમને કોઈ અંગત લાભ થવાનો નથી. તેમનો હેતુ સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો છે.
અરજી પરત ખેંચવાનો અરજદારનો ઇનકાર
સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે જો તેઓ ભારતીય નાગરિક નથી, તો તેમની જાહેર હિતની અરજી શા માટે સાંભળવી જોઈએ? તેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે જો ગુજરાત હાઈકોર્ટ કાયદાકીય કારણોસર તેમની અરજી સાંભળી ન શકે, તો આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ લઈ જવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
અરજદારે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાની અરજી પરત ખેંચવા માગતા નથી. કોર્ટ અરજી નામંજૂર કરે તો પણ તેઓ કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવા માગે છે.
OCI કાર્ડધારક PIL કરી શકે કે નહીં? કાયદાકીય આધાર રજૂ કરવા આદેશ
ગુજરાત હાઈકોર્ટે અરજદાર અને રાજ્ય સરકાર બંનેને OCI કાર્ડધારક જાહેર હિતની અરજી દાખલ કરી શકે કે નહીં, તે અંગે કાયદાકીય જોગવાઈઓ અને આધાર રજૂ કરવા જણાવ્યું હતું.
કોર્ટે અરજદારને સુનાવણી દરમિયાન રૂબરૂ હાજર રહીને પોતાની રજૂઆત કરવા પણ કહ્યું હતું. અરજદારે જણાવ્યું હતું કે તેઓ અગાઉ પણ કોર્ટમાં આવ્યા હતા, પરંતુ તે સમયે મામલો આગળ વધી શક્યો નહોતો. તેમણે ફરીથી હાજર રહેવાની તૈયારી દર્શાવી હતી અને તેના માટે ચોક્કસ સમય આપવા વિનંતી કરી હતી.
'ભારત સુંદર દેશ છે, પરંતુ કાયદા વગરના સમાજ જેવું લાગે છે'
અરજદારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ હાલમાં વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં રહે છે. તેમણે ભારતને સુંદર દેશ ગણાવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને અહીં કાયદા વગરના સમાજ જેવી સ્થિતિનો અનુભવ થાય છે.
અરજદારે યુનાઇટેડ કિંગડમમાં પોતાને થયેલા અનુભવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ત્યાંના કેટલાક લોકો તેમને પોતાના દેશમાં પાછા જવા કહેતા હતા, પરંતુ તેઓ ફરીથી UK જવા ઇચ્છતા નથી. પોતાની અરજી પાછળ નાણાં ખર્ચવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે તેમનો હેતુ સમાજના છેવાડાના લોકોની મદદ કરવાનો છે.
અનેક સરકારી અને અધિકારી સંસ્થાઓને બનાવ્યા પક્ષકાર
અરજદારે પોતાની જાહેર હિતની અરજીમાં ગુજરાત રાજ્ય સહિત વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓને પક્ષકાર બનાવ્યા છે. તેમાં પોલીસ કમિશનર, FDCA, FSSAI, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, માનવ અધિકાર પંચ અને બાળ અધિકાર પંચ સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
હાઈકોર્ટે રાજ્ય સરકારના પક્ષે હાજર એડિશનલ એડવોકેટ જનરલને OCI કાર્ડધારકના અધિકારો અને ભારતીય નાગરિકો સંબંધિત મુદ્દાઓ પર જાહેર હિતની અરજી દાખલ કરવાની તેમની કાયદાકીય પાત્રતા અંગે વિસ્તૃત જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
આ મામલે હવે વધુ સુનાવણી 7 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.